ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં 2018 માં શરૂ થયેલ ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો 2021માં પણ ચાલુ રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી વનસ્પતિ ઘીના કિલોદીઠ ભાવમાં સતત 27 ટકાનો વધારો થયો છે. ઓક્ટોબર 2018થી રાંધણ તેલના ભાવમાં 23 ટકા, ખાંડમાં 22 ટકા અને કઠોળના ભાવમાં 21 ટકાનો વધારો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2018થી દર વર્ષે લોટના ભાવમાં 15 ટકાનો વધારો થયો છે. પાકિસ્તાનનો ખાદ્યપદાર્થ ફુગાવો બે મહિના સિવાય છેલ્લા બે વર્ષમાં બે આંકડામાં રહ્યો છે.
સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પોલિસી ઇન્સ્ટિટ્યૂટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આબિદ કયૂમ સુલેરીએ દેશમાં કિંમતોમાં વધારા માટે આંતરરાષ્ટ્રીય બજારમાં આયાતી ઈંધણની ઊંચી કિંમતને જવાબદાર ગણાવી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 14 ટકા અને 8 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન પ્રતિ યુનિટ વીજળીના દરમાં વાર્ષિક 16 ટકાનો વધારો થયો છે.











