સિડની: ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેર સિડની અને તેની આસપાસના વિસ્તારોમાં પૂરને કારણે સેંકડો ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને લગભગ 50,000 લોકો પ્રભાવિત થયા છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી. ન્યૂ સાઉથ વેલ્સ ડિઝાસ્ટર સર્વિસીસ મેનેજર એશ્લે સુલિવાને જણાવ્યું હતું કે ઘરો અથવા કાર પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમોએ સિડનીમાં રાતોરાત 100 થી વધુ બચાવ કામગીરી હાથ ધરી હતી. થોડા દિવસોથી અવિરત વરસાદને કારણે અને જળાશયો ડેમોમાં પાણી ખતરાના નિશાનથી ઉપર છે.
ન્યૂ સાઉથ વેલ્સ રાજ્ય સરકારે રાતોરાત સ્થાનિક સરકાર હેઠળના 23 વિસ્તારોમાં આપત્તિ જાહેર કરી અને પૂર પીડિતો માટે સંઘીય સરકારનું ભંડોળ પૂરું પાડ્યું છે.
ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ડોમિનિક પેરોટે કહ્યું કે લોકોને તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પૂરને કારણે 50,000 લોકો પ્રભાવિત થયા છે, જેમાંથી 32,000 સોમવારે તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ ગયા હતા. તેમણે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી હતી.
દક્ષિણ સિડનીના ભાગોમાં 24 કલાકમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જે શહેરના વાર્ષિક સરેરાશ વરસાદના 17 ટકાથી વધુ છે, એમ બ્યુરો ઓફ મીટીરોલોજીના હવામાનશાસ્ત્રી જોનાથન હાઉએ જણાવ્યું હતું.













