રાજકોટ – વાઈબ્રન્ટ ગુજરાત સમિટનાં સફળ આયોજનને વધુ વ્યાપક બનાવવા તથા દરેક જિલ્લામાં રહેલા આગવા પોટેન્શિયલને બહાર લાવી તેને વૈશ્વિક ફલક પર ચમકાવવાના હેતુથી, ગુજરાત સરકાર દ્વારા હવે રાજ્યનાં વિવિધ ઝોન ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વિકસિત ભારત @2047ના વિઝન સાથે સુસંગત અને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા તથા વારસાને આધાર બનાવી, આ રિજનલ કોન્ફરન્સનું મુખ્ય લક્ષ્ય પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસને વેગ આપી, વિવિધ ક્ષેત્રોમાં રોકાણને પ્રોત્સાહન તેમજ વૈશ્વિક સ્તરે ગુજરાતને વધુ મજબૂત બનાવવાનું છે. હવે રાજકોટ ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસનું વૈશ્વિક મંચ બનવા જઇ રહ્યું છે. આગામી તારીખ ૧૧- ૧૨ જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્ર–કચ્છ વિસ્તારની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું રાજકોટમાં આયોજન થઇ રહ્યું છે, જે આ વિસ્તારનાં આર્થિક તથા ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી મારવાડી યુનિવર્સિટી ખાતે સૌરાષ્ટ્ર–કચ્છ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો ભવ્ય શુભારંભ કરાવશે. આ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છના ૧૨ જિલ્લાને આવરી લેશે. ઉદ્યોગ, નવીનતા, રોકાણ અને વૈશ્વિક સહયોગના નવા દ્વાર ખોલતી આ કોન્ફરન્સ સૌરાષ્ટ-કચ્છની અપરંપાર ક્ષમતાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉજાગર કરશે. વિકાસના નવા સંકલ્પ, આત્મનિર્ભરતાની નવી ઊર્જા અને પ્રગતિના નવા અધ્યાય સાથે સૌરાષ્ટ્ર–કચ્છ એક નવા યુગમાં પ્રવેશ કરશે.
આ દ્વિ-દિવસિય કોન્ફરન્સ વિવિધ દેશનાં પ્રતિનિધિઓ, દેશનાં અગ્રણી ઉદ્યોગપતિઓ તથા સ્થાનિક ઉદ્યોગો વચ્ચે સંવાદનો સેતુ સાબિત થશે. આ બે દિવસ દરમિયાન રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમો, બિઝનેસ ટુ બિઝનેસ મીટ, વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, રિવર્સ બાયર-સેલર મીટ તથા અનેક વિષયો પર વિશેષ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા અને રિપબ્લિક ઓફ રવાન્ડા જેવા દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે. ઉપરાંત ૧૩ જેટલા આંતરરાષ્ટ્રીય ટ્રેડ ઓર્ગેનાઈઝેશન પણ જોડાયા છે. સાથોસાથ ભારત સહિત ૨૩ દેશોમાંથી રજીસ્ટ્રેશન મળ્યા છે.
ફિશરીઝ, ગ્રીન સ્ટાર્ટઅપ, એ.આઇ., પ્રવાસન સહિતનાં વિષયો પર વિશેષ સેમિનારનું આયોજન
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા વિશેષ સેમિનારોનું આયોજન કરવામાં આવશે. જેમાં ફિશરીઝ, ગ્રીન સ્ટાર્ટઅપ, સિરામિક, ટેક્સટાઇલ ક્ષેત્રે વિકાસની તકો, બાગાયત પાકોની નિકાસ, એ.આઇ., ગ્રીન હાઇડ્રોજન, વૈશ્વિક સ્તરે બાંધણી તથા પટોળાની કલા, વિન્ડ એનર્જી, જેમ્સ અને જ્વેલરી, પાવર સેક્ટરમાં સાયબર સિક્યુરીટી તથા ટુરિઝમ જેવા મહત્વનાં ક્ષેત્રોમાં નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન, નવી ટેક્નોલોજી, સરકારની યોજનાઓ અને રોકાણની તકો પર વિસ્તૃત ચર્ચા થશે. આ સેમિનારો સૌરાષ્ટ્ર–કચ્છના વિકાસને નવી દિશા આપશે તેમજ ખેડૂતો અને ઉદ્યોગસાહસિકોને આગળ વધવા માટે પ્રેરણા આપશે.
સૌરાષ્ટ્ર–કચ્છના માછીમારી ક્ષેત્રને ઉજાગર કરતો સેમિનાર આધુનિક ટેક્નોલોજી, મૂલ્યવર્ધન, નિકાસની તકો અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપશે. ઉપરાંત, આધુનિક ખેતી પદ્ધતિઓ, ડ્રિપ ઇરિગેશન, નેચરલ ફાર્મિંગ, એગ્રી-સ્ટાર્ટઅપ્સ અને માર્કેટિંગની નવી તકો પર પણ ચર્ચા થશે. તો પ્રવાસન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર–કચ્છના પ્રવાસન સ્થળો, હેરિટેજ, ઇકો-ટુરિઝમ અને ધાર્મિક તથા દરિયાઇ પ્રવાસનની સંભાવનાઓને વૈશ્વિક મંચ પર પ્રસ્તુત કરવામાં આવશે. રોકાણ, રોજગાર અને સ્થાનિક અર્થતંત્રને ગતિ આપવા માટેની નવી તકો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
સ્થાનિક કુશળતા, ટેક્નોલોજીને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરતું એક્ઝિબિશન
વાઈબ્રન્ટ કોન્ફરન્સ અંતર્ગત યોજાનારા વિશાળ એક્ઝિબિશનમાં ઉદ્યમી મેળા, સ્વદેશી મેળા, વિવિધ સ્ટાર્ટઅપ માટેના આશરે ૬ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના ઔદ્યોગિક એકમોને વિકાસ અને નિકાસ માટેની વિપુલ તકો પ્રાપ્ત થશે. આ એક્ઝિબિશન મુલાકાતીઓને ઉદ્યોગ જગતની નવી દિશાઓ સાથે પરિચય કરાવશે. રિજનલ વાઈબ્રન્ટનું મંચ સૌરાષ્ટ્ર-કચ્છના ઔદ્યોગિક એકમો માટે વિકાસ, સહયોગ અને વૈશ્વિક નિકાસની અપરંપાર તકો સર્જશે. સ્થાનિક કુશળતા, ટેક્નોલોજી અને ઉત્પાદન ક્ષમતાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરતું આ એક્ઝિબિશન આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂતી આપશે. આ આયોજનનાં માધ્યમથી રાજકોટ અને સૌરાષ્ટ્રની ઈકોનોમીને બૂસ્ટ મળશે.
સૌરાષ્ટ્ર-કચ્છની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી કરાવતાં કાર્યક્રમોનું આયોજન
આ કોન્ફરન્સ અન્વયે રાજકોટનાં આંગણે સૌરાષ્ટ્ર-કચ્છની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી કરાવતાં તથા સ્વદેશી અને આત્મનિર્ભર ભારતની થીમ રજૂ કરતાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કોન્ફરન્સમાં ભાગ લેવા પધારતાં યુક્રેન, જાપાન, કોરીયા, રવાન્ડા સહિતનાં વિદેશી ડેલિગેટ્સ તથા અન્ય રાજ્યમાંથી રાજકોટ ખાતે કાર્યક્રમમાં પધારતાં ઉદ્યોગકારોને સૌરાષ્ટ્રની સંસ્કૃતિ, કલા, પરંપરાનો પરિચય કરાવાશે.
કચ્છ–સૌરાષ્ટ્ર પ્રદેશમાં વિકાસ, રોકાણ અને નવી તકોને પ્રોત્સાહન આપશે VGRC
કચ્છ અને સૌરાષ્ટ્રનો વિસ્તાર પોતાની ભૌગોલિક વિવિધતા, સાંસ્કૃતિક વારસો અને વિકસતા અર્થતંત્ર માટે જાણીતો છે. આ પ્રદેશનું વ્યૂહાત્મક સ્થાન અને કંડલા-મુન્દ્રા-પીપાવાવ જેવા મહત્વના બંદરો લોજિસ્ટિક્સ, વેપાર અને ગ્રીન શિપિંગ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સૌરાષ્ટ્ર પેટ્રોકેમિકલ, સિરામિક અને એન્જિનિયરિંગ જેવા ઉદ્યોગોમાં અગ્રેસર છે, એટલું જ નહીં, અહીંનું આધ્યાત્મિક અને હેરિટેજ ટુરિઝમ આ પ્રદેશની પરંપરાઓને જીવંત રાખે છે, સાથે સાથે વ્યવસાય અને વિકાસને પણ ટેકો આપે છે.
કચ્છ અને સૌરાષ્ટ્રની VGRC માટેના મુખ્ય ક્ષેત્રોમાં સિરામિક્સ, એન્જિનિયરિંગ, પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ, માછીમારી, પેટ્રોકેમિકલ્સ, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ખનિજ, ગ્રીન એનર્જી, સ્કિલ ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ્સ, MSMEs, પ્રવાસન અને સંસ્કૃતિનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં સિરામિક, કપાસ અને પ્લાસ્ટિકની નિકાસ, બ્રાસ કોમ્પોનન્ટ્સ, સીફૂડ પ્રોસેસિંગ, કોસ્ટલ ટૂરિઝમ અને અનેક અન્ય ક્ષેત્રોમાં ઉત્તમ વ્યાવસાયિક તકો ઉપલબ્ધ છે.
ઉદ્યોગસાહસિક ભાવનાથી પ્રેરિત ગુજરાતે મજબૂત અને જીવંત અર્થવ્યવસ્થા વિકસાવવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ સ્થાપિત કરવાની સાથે, ગુજરાત આજે રોકાણ માટેનું પસંદગીનું સ્થળ બની ઊભર્યું છે, જે તેની નીતિગત સ્પષ્ટતા, સુવિધાજનક માળખું અને વિકાસલક્ષી દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે.













