વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ બે દિવસ માટે મહાબલિપુરમ પહોંચ્યા: અનેક વિષયો પર થશે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે અનૌપચારિક શિખર વાર્તા માટે મહાબલીપુરમ પહોંચી ગયા છે. આ અગાઉ ચેન્નાઈ એરપોર્ટ પર તામિલનાડુના રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી સવા અગિયાર વાગે ચેન્નાઈ પહોંચ્યાં હતાં. શી જિનપિંગ પોતાના બે દિવસના ભારત પ્રવાસ દરમિયાન બપોરે 2.10 વાગે ચેન્નાઈ પહોંચશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચેન્નાઈની આઈટીસી ગ્રાન્ડ ચોલા હોટલમાં રોકાશે. વુહાન બાદ બીજી ઈનફોર્મલ સમિટના એજન્ડામાં વેપાર, આસિયાન દેશો સાથે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ, સરહદ વિવાદ અને 5જીના મુદ્દા પ્રમુખ રહેશે. કાશ્મીર ભારતનો આંતરીક મુદ્દો છે આથી પીએમ મોદી તેની ચર્ચા કરશે નહીં. જો શી જિનપિંગ આ મુદ્દાને છેડશે તો ભારત તેમને આ અંગેના સ્ટેન્ડથી વાકેફ કરાવશે.

તામિલનાડુના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત, મુખ્યમંત્રી ઈ પલનિસામી, ડેપ્યુટી સીએમ ઓ.પર્નીરસેલ્વમે ચેન્નાઈ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ આશા વ્યક્ત કરી છે કે ઈનફોર્મલ સમિટથી ભારત અને ચીનના સંબંધ વધુ મજબુત થશે. તેમણે લખ્યું કે ચેન્નાઈમાં ઉતરી ચૂક્યો છું. તામિલનાડુની ધરતી પર આવીને ખુશ છું. જે પોતાની અદભૂત સંસ્કૃતિ અને મહેમાનગીરી માટે જાણીતી છે. ખુશીની વાત છે કે તામિલનાડુ પ્રેસિડેન્ટ શી જિનપિંગની મેજબાની કરશે. આ અનૌપચારિક શિખર બેઠકથી ભારત અને ચીનના સંબંધ મજબુત થશે, એવી કામના છે.

મોદી અને શીની આ બેઠક અનૌપચારિક છે. આથી કોઈ કરાર પર હસ્તાક્ષર થશે નહીં. પરંતુ બંને દેશો તે દિશામાં આગળ જરૂર વધશે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મોદી અને શી પરસ્પર વિશ્વાસ વધારનારા કેટલાક પગલાની જાહેરાત કરી શકે છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરમાં પીએમ મોદી ચીની રાષ્ટ્રપતિને વેપારમાં કેટલીક છૂટછાટ આપીને પ્રભાવિત કરવાની કોશિશ કરી શકે છે. આ ઉપરાંત તેઓ ચીન સાથે વેપાર ખાદ્યનો મુદ્દો પ્રમુખતાથી ઉઠાવી શકે છે.

એપ્રિલ 2018માં વુહાન સમિટ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે ચીન ભારત પાસેથી ખાંડ અને ચોખા આયાત કરે. ત્યારબાદ ચીને ભારત પાસેથી બંને વસ્તુઓની આયાત શરૂ કરી હતી. ચીન સાથે ભારતની વેપાર ઘાટો (નિકાસ કરતા આવક વધુ) ઘટી તો છે પરંતુ વેપાર સંતુલન જાળવવા માટે હજુ પણ ઘણુ કરવાની જરૂર છે. 2017-18માં ચીન સાથે ભારતની વેપાર ઘાટો 60 અબજ ડોલર તી જ્યારે 2018-19માં ઘટીને 53 અબજ ડોલર પર પહોંચી. ભારતનો કપડાં અને સ્ટીલ ઉદ્યોગ એ વાતને લઈને ડરેલો છે કે બહુ વધારે આયાતથી તેમના ધંધાને નુકસાન પહોંચશે. બીજી બાજુ ભારતની ફાર્મા ઈન્ડસ્ટ્રીને આશા છે કે તેને ચીનના બજારમાં પહોંચવા માટે વધુ તકો મળશે.

રિજીઓનલ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશીપ (RCEP)
RCEP એક પ્રસ્તાવિત મેગા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ છે. જેના પર 10 આસીયાન દેસો અને ચીન, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝિલેન્ડ વચ્ચે વાત ચાલુ છે. અમેરિકા સાથે ટ્રેડ વોર્ડ વચ્ચે ચીન ઈચ્છે છે કે જેમ બને તેમ જલદી RCEPને અંતિમ સ્વરૂપ આપવામાં આવે.

સરહદ વિવાદ
મોદી અને શી વચ્ચેની શિખર બેઠકમાં બંને દેશો વચ્ચે સરહદ વિવાદ ઉપર પણ ચર્ચા થશે. એનએસએ અજીત ડોભાલ અને ચીનના વિશેષ પ્રતિનિધિ યાંગ જીચે વચ્ચે બંને દેશો વચ્ચેના સરહદ વિવાદ પર વાતચીત થઈ શકે છે. ચીને લદાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો વિરોધ કર્યો છે. આ ઉપરાંત તે અરુણાચલ પ્રદેશ ઉપર પણ દાવો કરતું રહ્યું છે. ખાસ વાત એ છે કે ભારતીય આર્મી હાલ અરુણાચલ પ્રદેશમાં જ સૈન્ય અભ્યાસ હિમ વિજય કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here