રાજ્યસભામાં પુછાયો સવાલ, 1,58,000 લોકોની વસતીવાળો દેશ ફિફા વર્લ્ડ કપમાં પહોંચી ગયો, આપણી શું યોજના છે?’

નવી દિલ્હીઃ ફૂટબૉલનું વિશ્વભરમાં સંચાલન કરતી સંસ્થા ફિફાના રૅન્કિંગ્સમાં ભારતનો છેક 142મો નંબર છે એટલે સ્વાભાવિક છે કે આગામી વર્લ્ડ કપ માટેના 48 દેશમાં એનો સમાવેશ ન હોય, પરંતુ 82મા ક્રમનો ક્યૂરેકાઓ નામનો ટચૂકડો દેશ આ વિશ્વ કપ માટે ક્વૉલિફાય થઈ ગયો છે એ આખા વિશ્વ માટે આશ્ચર્ય છે અને ભારતમાં રાજકીય ક્ષેત્રે દેશની આ નિષ્ફળતાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ વિશેનો સવાલ ગુરુવારે રાજ્ય સભામાં પૂછવામાં આવ્યો હતો.

કૉંગે્રસના સંસદસભ્ય જોઝ કે. મણીએ રાજ્ય સભામાં ચર્ચા દરમ્યાન સવાલ કર્યો હતો કે ` માત્ર 1,58,000 લોકોની વસતી ધરાવતા ક્યૂરેકાઓ નામનો ટચૂકડો દેશ 2026ના ફિફા વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થઈ ગયો તો મારે સરકાર પાસે એ જાણવું છે કે ફૂટબૉલની બાબતમાં આપણા દેશની લાંબા ગાળાની યોજના શું છે.

ઑલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશન (એઆઇએફએફ)ને કેન્દ્ર સરકારે દેશમાં ફૂટબૉલની રમતના પ્રોત્સાહન તથા વિકાસ માટે નૅશનલ સ્પોર્ટ્સ ફેડરેશન તરીકેની માન્યતા આપી છે. ફેડરેશન કહે છે કે ભારત ભવિષ્યમાં ફિફા વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થઈ શકે એ માટે અમે લાંબા ગાળાની યોજના વિચારવામાં આવી છે. અમે જાણવા માગીએ છીએ કે આ યોજના શું છે.’

રાજ્ય સભામાં કેરળ વતી પ્રતિનિધિત્વ કરતા જોઝ મણીએ ખેલકૂદ પ્રધાન મનસુખ માંડવિયાને ગૃહમાં આ પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે માંડવિયાને પૂછયું હતું કે ભવિષ્યમાં ભારત પણ ફિફા વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થઈ શકે એ વિશે સરકારે કઈ લાંબા ગાળાની યોજના વિચારી છે તેમ જ દેશમાંથી ફૂટબૉલની ટૅલન્ટ બહાર લાવવા પાયાના સ્તરે કયા પગલાં લેવામાં આવી રહ્યા છે.

ક્યૂરેકાઓ જનતાની વસતીની દૃષ્ટિએ તેમ જ સૌથી નાના (અંદાજે 450 કિલોમીટરના) વિસ્તારની ગણતરીએ પણ ફિફા વર્લ્ડ કપમાં રમનાર સૌથી નાનો દેશ બનશે. જોકે 140 કરોડની વસતી ધરાવતા ભારતે હજી સુધી ક્વૉલિફિકેશન નથી મેળવ્યું. 2026માં વર્લ્ડ કપ અમેરિકા, કૅનેડા અને મેક્સિકોમાં સંયુક્ત રીતે યોજાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here