ગુજરાતમાં કોરોના કેસોમાં ઘટાડો થયા પછી લોકડાઉન જેવા નિયંત્રણો હળવી કરીને અનલોક કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયા બાદ ગુજરાતની વિજય રૂપાણી સરકારે પણ ઘણા નિયંત્રણો હળવા કર્યા છે. આની સાથે આજે ફરી ગુજરાતની બજારો અને ઓફિસમાં ચમક આવી છે. આજથી 100% સ્ટાફ સાથે કચેરીઓ ખુલવા પામી હતી.
ગુજરાતના કોરોનાના કેસોમાં ઘણો ઘટાડો થવા લાગ્યો છે અને પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે, ત્યારબાદ ગુજરાત સરકારે 100% સ્ટાફને આજથી તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં કામ કરવાની મંજૂરી આપી દીધી છે. અમદાવાદ,સુરત,વડોદરા રાજકોટ સહીત 36 શહેરોમાં જિલ્લા પંચાયત, બહુમાળી ભવન અને કલેકટર કચેરીમાં પૂર્ણ સ્ટાફ સાથે કામગીરી શરૂ થઈ છે. જેના કારણે બાકી રહેલ કામ ઝડપ સાથે પૂર્ણ થશે. સાથોસાથ પ્રાઇવેટ ઓફિસમાં પણ સંપૂર્ણ સ્ટાફ સાથે કામકાજ ચાલુ થઇ ગયા છે.
ગુજરાત સરકારે શુક્રવારે જ જાહેરાત કરી હતી કે રાજ્યમાં ખાનગી અને સરકારી કચેરીઓ 7 જૂનથી 100 ટકા કર્મચારીઓ સાથે કાર્ય કરી શકે છે. આપને જણાવી દઈએ કે મે મહિનાથી ગુજરાતમાં ખાનગી અને સરકારી કચેરીઓ 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરી રહી છે. ચેપના ફેલાવાને રોકવા માટે રાજ્ય સરકારે કચેરીમાં માત્ર 50 ટકા કર્મચારીઓને જ મંજૂરી આપી હતી. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, ચેપના કેસોમાં ઝડપથી ઘટાડો થયો હતો, ત્યારબાદ હવેથી આજથી તમામ કચેરીઓ 100 ટકા ક્ષમતા સાથે ખોલવામાં આવી છે.
ગુજરાતની વિજય રૂપાણી સરકારે 4 જૂનથી રાજ્યમાં લોકડાઉનમાં રાહતની ઘોષણા કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા હુકમ મુજબ 4 જૂનથી રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાન સવારે 9 થી સાંજના 6 વાગ્યા વચ્ચે ખુલશે. અને સરકારી અને ખાનગી કચેરીઓને પણ મુક્તિ આપવામાં આવી છે. હવે જયારે 100% સ્ટાફને છૂટ પાઇ દીધી છે ત્યારે સરકારી કામો જે ઘણા સમયથી પેન્ડિંગ હતા તેમાં ગતિ આવશે















