ભિવંડી: મહારાષ્ટ્રમાં એક વૃદ્ધાશ્રમમાં રહેતા 67 લોકો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. કોરોના સંક્રમિત મળી આવેલા તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. માહિતી અનુસાર, કોરોના સંક્રમિત મળી આવેલા 67 લોકોમાંથી 5 સ્ટાફના સભ્યો છે. જ્યારે અન્ય તમામ 62 કોરોના સંક્રમિતોની ઉંમર 60 વર્ષથી વધુ છે. આ તમામને થાણે જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વૃદ્ધાશ્રમમાં કોરોનાના આટલા કેસો સામે આવ્યા બાદ આ વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
શુક્રવારે વૃદ્ધાશ્રમમાં રહેતો એક વ્યક્તિ કોરોના સંક્રમિત જોવા મળ્યો હતો. જે બાદ સરકારી ડોક્ટરોની ટીમે શનિવારે ભિવંડીના સોરગાંવ ગામમાં સ્થિત માતોશ્રી વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. અહીં રહેતા 109 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગના કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા. કુલ ચેપગ્રસ્ત પૈકી એકની હાલત ખરાબ હોવાનું કહેવાય છે. જેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, તમામ 67 દર્દીઓમાંથી, 30 દર્દીઓ એસિમ્પટમેટિક છે.















