નવી દિલ્હી: લગભગ પાંચ વખત મિટિંગ થયા બાદ કૃષિ બિલને લઈને ચાલી રહેલા આંદોલન અંગે સરકારે નવેસરથી પ્રસ્તાવ આંદોલનકારીઓને મોકલ્યો હતો પરંતુ વિવિધ કિસાન યુનિયનો દ્વારા તેને ફગાવી દેવામાં આવ્યો છે. તેને કારણે કિસાન આંદોલન વધુ તીવ્ર બને તેવી સંભાવના છે. દરમિયાન અમિત શાહ અને કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર વચ્ચે હાલ મિટિંગ ચાલી રહી છે.
ગઈકાલે વિવિધ કિસાન નેતા અને ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે લાંબી મિટિંગ બાદ સરકારે નવેસરથી પ્રસ્તાવ મોકલાયો હતો. જેમાં MSP અને APMC બંધ નહિ કરવાની વાત સરકારે માની લીધી હતી. પણ તેમ છતાં ખેડૂતો અડગ રહ્યા હતા અને પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. કૃષિ બિલ પાછું લેવાથી ઓછું કઈ ન ખપે તેવી વાત કિસાન આંદોલનકારીઓએ ઉચ્ચારી હતી.
છેલ્લા 13 દિવસથી કિસના આંદોલન કરી રહ્યા છે અને અનેક વખત સરકારની વચ્ચે મિટિંગ થયા બાદપણ કોઈ નિર્ણય આવ્યો નથી. દરમિયાન 5 વિરોધપક્ષના નેતા શરદ પવાર,રાહુલ ગાંધી, સીતારામ યેચુરી આજે આ અંગે રાષ્ટ્રપતી રામનાથ કોવિંદને મળ્યા હતા અને ખેડૂતોની પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. બિલ અંગે આ તમામ નેતાઓ દ્વારા પોતાના વિચારો રજુ કરાયા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ મુદ્દે ધ્યાન આપશે તેવું જણાવ્યું હતું.

















