નવી દિલ્હી: દેશમાં કોરોના કહેર જોવા મળ્યા બાદ અને હાલ બીજી વેવ ચાલુ હોવા છતાં દેશની કૃષિ નિકાસમાં વધારો થયો છે. એપ્રિલ 2020 થી ફેબ્રુઆરી 2021 દરમિયાન કૃષિ અને તેની સાથે જોડાયેલી ચીજવસ્તુઓની નિકાસ ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 2.31 લાખ કરોડની સરખામણીએ આ વર્ષે 18% વધીને નોંધાઈ છે. જેમાં ખાંડની નિકાસમાં મોટો ફાળો રહ્યો છે. નિકાસમાં નોંધપાત્ર હકારાત્મક વૃદ્ધિ નોંધાવતી ચીજોમાં ઘઉં, ચોખા (બિન-બાસમતી), સોયા ભોજન, મસાલા, ખાંડ, કાચી કપાસ, તાજી શાકભાજી, પ્રોસેસ્ડ શાકભાજી અને આલ્કોહોલિક પીણા છે. ગત વર્ષની તુલનામાં ઘઉંની નિકાસમાં મોટો વધારો નોંધાયો છે.
નાફેડે સરકારી વ્યવસ્થાના ભાગરૂપે 50,000 ટન ઘઉંની અફઘાનિસ્તાન અને 40,000 ટન લેબનોનમાં નિકાસ કરી હતી. કૃષિ મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રોગચાળાના મુશ્કેલ સમયમાં પણ ભારતની વિશ્વ અન્ન પુરવઠા ચેઇનને અસર થઈ ન હતી અને નિકાસ યથાવત્ ચાલુ રાખી હતી. એપ્રિલ 2020 થી ફેબ્રુઆરી 2021 દરમિયાન દેશમાં અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 1.37 લાખ કરોડની સરખામણીમાં રૂ. 1.41 લાખ કરોડની કૃષિ ચીજવસ્તુઓની આયાત થઈ.
બાસમતી સિવાયના ચોખામાં પણ ભારતે મોટી નિકાસવૃદ્ધી હાંસલ કરી છે અને 132% નો વધારો નોંધ્યો છે.ગત વર્ષે ભારતે 13,030 કરોડના ચોખા ભારતે નિકાસ કાર્ય હતા જે 2020-21 સીઝનમાં 30,270 કરોડ ચોખાની નિકાસ કરી છે.