દિલ્હીના મુંડકા આગમાં 27ના મોત, 25 હજુ પણ લાપતાઃ બંને કંપની માલિકોની ધરપકડ, બિલ્ડિંગ માલિક ફરાર

દેશની રાજધાની દિલ્હીના મુંડકા વિસ્તારમાં 13 મે 2022 (શુક્રવાર)ના રોજ લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ સાથે બિલ્ડિંગમાં કાર્યરત કંપનીના બે માલિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ દર્દનાક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 27 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

આગમાં બળી ગયેલા મૃતદેહોની ઓળખ કરવા માટે તેમના ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. આગમાં ઘાયલ થયેલા 12 લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડની સાથે NDRFની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. તે જ સમયે, સરકાર દ્વારા મૃતકોના નજીકના સંબંધીઓને વળતરની જાહેરાત કરવામાં આવી છે.

દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતક પરિવારોને 10 લાક રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

દિલ્હીના મુંડકા વિસ્તારમાં આગની ઘટનામાં 25 લોકો હજુ પણ લાપતા હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીના માલિકો હરીશ ગોયલ અને વરુણ ગોયલની ધરપકડ કરવામાં આવી છે. આગ લાગ્યા બાદથી બિલ્ડિંગ માલિક મનીષ લાકરા ફરાર છે, જેની શોધમાં પોલીસ દરોડા પાડી રહી છે.

બિલ્ડિંગના પહેલા માળે સીસીટીવી કેમેરા વગેરેનું કારખાનું હતું. આ ઘટનામાં મોટાભાગના મૃત્યુ બીજા માળે થયા છે, જ્યાં વેરહાઉસ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જ્યારે ત્રીજા માળે લેબોરેટરી હતી. આ ઈમારતમાં અન્ય કોઈ ફસાયું હોવાની શક્યતાને જોતા ફાયર બ્રિગેડ અને NDRF સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા.

વડાપ્રધાન કાર્યાલયે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં બચાવકર્તામાંથી કોઈને ઈજા થઈ નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગમાં મોટાભાગની મહિલા કર્મચારીઓ કામ કરતી હતી. આગ લાગ્યા બાદ અનેક લોકો કાચ તોડીને છત પરથી નીચે કૂદતા જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here