નવી દિલ્હી:દેશભરમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં અનેક રાજ્યોમાં કમોસમી વરસાદને કારણે અનેક પાકને નુકસાન પહોંચ્યું છે. જેને કારણે ખેડૂતને પણ નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમયમાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI)ના સાંસદ બિનોય વિશ્વમે પીએમ મોદીને અસરગ્રસ્ત ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવા વિનંતી કરી છે. વિશ્વમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ઉત્તર અને મધ્ય ભારતના અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા વિનંતી કરી હતી.
સીપીઆઈ નેતા વિશ્વમે તેમના પત્રમાં પીએમને તાજેતરના પ્રતિકૂળ આબોહવા પરિવર્તનને કારણે ભારે નુકસાન સહન કરનાર ખેડૂતોને મદદ કરવા વિનંતી કરી હતી. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા ગુજરાત સહિતના દેશના ભાગોમાં ભારે પવન અને કરા પડ્યા હતા અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોની મુશ્કેલી વધી છે.
વિશ્વમે તેમના પત્રમાં લખ્યું છે કે, ઘઉં, સરસવ, ચણા, શેરડી અને મોસમી શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે. આવા ખેડૂતો જેમને નુકસાન થયું છે તેમને રાહત પેકેજ જાહેર કરવાની પત્ર પાઠવીને અપીલ કરી છે. સીપીઆઈ નેતાએ વધુમાં સરકારને વિનંતી કરી કે ખેડૂતોને તેમના નુકસાનમાંથી પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે પ્રતિ એકર 15,000 ની ચૂકવણી કરવામાં આવે. સરકાર આ મુદ્દાને પ્રાથમિકતા પર ઉઠાવશે અને યોગ્ય પગલાં લેવામાં આવશે,” તેવો આશાવાદ વિશ્વમે વ્યક્ત કર્યો હતો.