મરાઠાવાડમાં 30મી સુધીમાં કૃત્રિમ વરસાદ વરસાવાશે

આ વખતે મહારાષ્ટ્રમાં પાટનગર મુંબઈ ઉપરાંત કોંકણ અને પશ્ર્ચિમ ભાગમાં મુસળધાર વરસાદ વરસ્યો છે, પરંતુ મરાઠવાડા વિસ્તારમાં ચોમાસું નબળું રહ્યું છે. પરિણામે ત્યાં દુકાળનો ખતરો છે.

મરાઠવાડામાં વરસાદ ન પડે તો કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવો એવો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પ્રધાનમંડળે નિર્ણય લીધો હતો.

કૃત્રિમ વરસાદના પ્રયોગમાં, ક્લાઉડ સીડિંગ કરવામાં આવે છે એટલે કે ભેજથી ભરેલા વાદળો પર વિમાનમાંથી ખાસ રસાયણો (સોલ્ટ (મીઠા) જેવા સોડિયમ ક્લોરાઈડ અને કેલ્શિયમ ક્લોરાઈડ)નો છંટકાવ કરવામાં આવે છે જેને કારણે ભેજની ઘનતા વધે છે અને તે વરસાદ સ્વરૂપે ધરતી પર પડે છે. રાજ્યના પાણીપુરવઠા ખાતાના પ્રધાન બબનરાવ લોણીકરે એવી જાણકારી આપી છે કે મરાઠવાડામાં 30 જુલાઈ સુધીમાં કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવામાં આવશે. એ માટેની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી છે.

22 જુલાઈ પછી આકાશમાં વાદળો છવાયેલા રહેશે અને ત્યારે પાણીની ઘનતા વધારે હશે તેથી તે વખતે કૃત્રિમ વરસાદની પ્રક્રિયા પાર પાડવામાં આવશે.

ઔરંગાબાદ, સોલાપુર અને અહમદનગર જિલ્લાઓમાં ત્રણ ઠેકાણે આ માટેના સેન્ટર ખાતે કૃત્રિમ વરસાદની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.

કૃત્રિમ વરસાદની ટેક્નોલોજી વિક્સાવવા માટે રાજ્ય સરકારે 30 કરોડ રૂપિયાનું ભંડોળ મંજૂર કર્યું છે.કૃત્રિમ રીતે વરસાદ વરસાવ્યા બાદ તે વિસ્તારોમાં દુકાળપીડિત કિસાનોને રાહત મળશે.

કૃત્રિમ વરસાદ કરવા માટે કેન્દ્ર સરકાર પાસે પરવાનગી માગવામાં આવી છે અને તે ટૂંક સમયમાં જ મળી જશે. તે ઉપરાંત ઔરંગાબાદ એરપોર્ટ, રડાર સિસ્ટમ તરફથી પણ પરવાનગી મેળવવામાં આવશે. કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવા માટેની તમામ પરવાનગીઓ 30 જુલાઈ સુધીમાં મળી જશે એવો વિશ્વાસ ફડણવીસે વ્યક્ત કર્યો છે.
મહારાષ્ટ્રમાં આ પૂર્વે 2003 અને 2015માં પણ કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવામાં આવ્યો હતો અને તે સફળ રહ્યો હતો એવો અહેવાલ છે. એ વખતે ચીનની સરકારે મહારાષ્ટ્ર સરકારને મદદ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here