ઢાકા: બાંગ્લાદેશમાં વેપારીઓ સરકાર દ્વારા નિર્ધારિત કિંમતો કરતાં ઊંચા દરે ખાંડનું વેચાણ કરી રહ્યા છે અને તેઓ હવે વધુ એક વધારો ઈચ્છે છે. ઢાકાના બજારોમાં, છૂટક ખાંડ 135 ટાકા (બાંગ્લાદેશનું ચલણ) પ્રતિ કિલો અને પેક્ડ ખાંડ 140-150 ટાકા પ્રતિ કિલોના ભાવે વેચાય છે, જોકે વાણિજ્ય મંત્રાલયે એક મહિના પહેલા તેની કિંમત 120 ટાકા અને 125 ટાકા નક્કી કરી હતી.
શગર રિફાઇનર્સ એસોસિએશને હવે ટેરિફ કમિશનને છૂટક ખાંડના ભાવમાં 140 ટાકા અને પેકેજ્ડ ખાંડના ભાવમાં 150 ટાકાનો વધારો કરવાની દરખાસ્ત મોકલી છે, એમ વાણિજ્ય સચિવ તપન કાંતિ ઘોષે ભાવને નિયંત્રિત કરવા માટે યોજાયેલી બેઠક બાદ જણાવ્યું હતું. તેમણે સરકાર દ્વારા નિર્ધારિત કિંમતો કરતાં વધુ ખાંડના વેચાણનો બચાવ કરતા કહ્યું કે જ્યારે વૈશ્વિક બજારમાં અસ્થિરતાનો અનુભવ થાય છે ત્યારે બજારને સ્થિર રાખવું મુશ્કેલ છે.
તપને જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં મિલરોએ એક મહિના પહેલા નક્કી કરેલા ભાવો માટે સંમતિ દર્શાવી હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં વધારાને કારણે તેઓ નવા દરો લાગુ કરી શક્યા નથી. તેમના મતે, વૈશ્વિક ભાવ વધારાને કારણે બાંગ્લાદેશ ટ્રેડ કોર્પોરેશન પણ આંતરરાષ્ટ્રીય ટેન્ડર દ્વારા ખાંડ લાવી શક્યું નથી.