ગુજરાતમાંથી આ વખતે ઓછા વરસાદ સાથે ચોમાસાએ વિદાય લીધી છે. જો સિઝન દરમિયાન વરસાદની વાત કરીએ તો રાજ્યમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. ગત વર્ષે રાજ્યના પાંચ ઝોનમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 131.64 ટકા એટલે કે 1946.98 મીમી વરસાદ પડ્યો હતો, પરંતુ આ વખતે આ વિસ્તાર 92.72 ટકા એટલે કે 1384.89 મીમી વરસાદ સાથે પાછળ રહી ગયો છે.
આ વખતે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝન સુસ્ત જોવા મળી હતી. ગત વર્ષે જુલાઇથી દક્ષિણ ગુજરાત ચોમાસામાં આગળ હતું. દરેક વિસ્તારમાં વરસાદ થયો હતો, પરંતુ આ વખતે વરસાદના એક રાઉન્ડ અને બીજા રાઉન્ડ વચ્ચે દુષ્કાળ જેવું વાતાવરણ હતું. સુરત શહેરની વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 30 સપ્ટેમ્બર સુધીમાં 29 ટકા ઓછો વરસાદ થયો છે.
.
ચોમાસાની વિદાય સાથે જ શહેરોમાં ગરમીનું પ્રમાણ વધવા લાગ્યું છે. ઘણા શહેરોમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો 35 ડિગ્રી સેલ્સિયસને પાર કરી રહ્યો છે. શનિવારે શહેરનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને રવિવારે 36 ડિગ્રી રહ્યું હતું. સોમવારે મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 66 ટકા હતું. પશ્ચિમ દિશામાંથી 5 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
ગત વર્ષે સુરત શહેરમાં 106.37 ટકા એટલે કે 1533 મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે આ વર્ષે 77.83 ટકા એટલે કે 1107 મીમી વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાની વાત કરીએ તો ગત વર્ષે 125.35 ટકા એટલે કે 1829 મીમી વરસાદ થયો હતો જ્યારે આ વર્ષે 89.85 ટકા એટલે કે 1315 મીમી વરસાદ થયો છે. શહેરમાં સરેરાશ 1422 મીમી અને જીલ્લામાં 1463 મીમી વરસાદ નોંધાયો છે.
ચોમાસાએ વિદાય લીધી છે. જો કે ઉકાઈ ડેમમાં હજુ પણ 18 હજાર 261 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. હવે ઉકાઈ ડેમ સંપૂર્ણ રીતે ભરવામાં આવી રહ્યો છે. સોમવારે ઉકાઈનું જળસ્તર 344.92 ફૂટ નોંધાયું હતું. હવે ડેમ ફુલ થવાથી માત્ર 0.08 ફૂટ દૂર છે. જેના કારણે ઉકાઈમાંથી 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
રાજ્યના પાંચ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી વરસાદ (mm માં)
પ્રદેશ વરસાદ(MM) ટકાવારી
કચ્છ 760.20 164
ઉત્તર ગુજરાત 706.90 97.17
મધ્ય પૂર્વ ગુજરાત 701.23 98.97
સૌરાષ્ટ્ર 895.20 124
દક્ષિણ ગુજરાત 1384.89 92.72
કુલ 917.35 104.65