મહારાષ્ટ્રમાં રત્નાગિરીમાં ડેમ તૂટ્યો, 6ના મોત અનેક લોકો ગુમ

મહારાષ્ટ્રમાં આકાશમાં છવાયેલા વાદળો અને સતત વરસી રહેલા વરસાદના કારણે સ્થિતિ વણસી રહી છે. મંગળવારે પુણે ઉપરાંત મુંબઈના મલાડ અને કલ્યાણમાં દીવાલ પડવાના બનાવોમાં બે ડઝનથી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલો છે. સતત વરસાદના કારણે સ્થિતિ સુધરવાની જગ્યાએ બગડી રહી છે. હવે રત્નાગિરીમાં તિવરે ડેમ તૂટ્યો હોવાની માહિતી છે. ડેમ તૂટવાના કારણે પાસેના લગભગ 7 ગામોમાં પુરના પાણી ફરી વળ્યા છે અને અચાનક થયેલી આ દુર્ઘટનાથી ગામડાના લગભગ બે ડઝન લોકો ગૂમ થયેલા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોને બે મૃતદેહ મળી આવ્યાં છે.

મોડી રાતે ડેમ તૂટવાના કારણે આસપાસના વિસ્તારો પુરની ચપેટમાં છે. ડેમ પાસે બનેલા લગભગ એક ડઝન ઘર સંપૂર્ણ રીતે પાણીમાં વહી ગયા છે. સ્થાનિક પ્રશાસન, પોલીસ, અને વોલિયેન્ટર્સ ઉપરાંત એનડીઆરએફની ટીમ પણ બચાવ અને રાહત કાર્યમાં લાગી છે. કહેવાય છે કે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. અત્યાર સુધી બે મૃતદેહો મળ્યાં છે અને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. તિવરે ડેમમાં વરસાદના પગલે પહેલેથી જ જળસ્તર ખુબ વધી ગયું હતું. ત્યારબાદ આ દુર્ઘટના ઘટી.

અગાઉ મંગળવારે સવારે ભારે વરસાદના કારણે મલાડના કુરાર વિસ્તારમાં દીવાલ પડવાથી 18 જેટલા લોકોના મોત થયાં. જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા. ઘાયલ લોકોની જોગેશ્વરીની ટ્રોમા કેર હોસ્પિટલ, કેઈએમ હોસ્પિટલ, કાંદીવલીની શતાબ્દી હોસ્પિટલ, મલાડની એમડબલ્યુ દેસાઈ હોસ્પિટલ અને અંધેરીની કૂપર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ બાજુ કલ્યાણમાં પણ વરસાદ બાદ દીવાલ પડતા 3 લોકોના મોત થયા છે.

હવામાન ખાતાનું માનીએ તો ઉત્તર મહારાષ્ટ્રના કાંઠા ઉપરના વાદળોની અસર દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં થવાની શક્યતા છે. મુંબઈમાં અનેક જગ્યાઓ પર ભારે વરસાદનું અનુમાન છે. આ સાથે જ હાઈ ટાઈડની પણ અલર્ટ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં લોકોને હવામાન ખાતાની અપડેટ ધ્યાનમાં રાખીને જ ઘરની બહાર નીકળવાની સલાહ અપાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here