અંતે ત્રણેય કૃષિ બિલ પાછા ખેંચવાનો નિર્ણય જાહેર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આજે ગુરુ નાનક પર્વના પવિત્ર દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી મોટી જાહેરાત કરી છે. છેલ્લા એક દોઢ વર્ષથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સમાપ્ત કરવાની આ જાહેરાત કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધનમાં કૃષિ કાનૂનને લઈને બનાવવામાં આવેલા ત્રણ બિલ પાછા ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો છે.

છેલ્લા એક વર્ષ દરમિયાન વિવિધ ખેડૂત આગેવાનો અને ખેડૂતો સાથે કૃષિ બિલને લઈને વિરોધ આંદોલન ચાલી રહ્યું હતું. ૨૬ નવેમ્બરના રોજ આ આંદોલનને એક વર્ષથી વધારે સમય થઇ ચુક્યો હતો ત્યારે આજે ગુરુ નાનક જયંતિ પર દેશના વડાપ્રધાને ખેડૂતોને ઘરે પાછા જવાનો અને પર્વ મનાવવાનો અનુરોધ પણ કર્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે હું દેશના ખેડૂતોની સાચા હ્રદયથી માફી માગું છું. મેં ખેડૂતો માટે નિર્ણય કર્યો હતો. આવનારા દિવસોમાં પણ ખેડૂતો માટે નિર્ણય કરતો રહીશ.

મોદીએ જણાવ્યું હતું કે એ વાત સાચી છે કે ખેડૂતો માટે બનાવેલા આ ત્રણ બિલમાં જૂજ ખેડૂતો વિરોધ કરી રહ્યાં હોવા છતાં હું આ ત્રણેય બિલ પાછા ખેંચવાનો નિર્ણય કરું છું અને આ સંસદ સત્રમાં તેમના માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. વડાપ્રધાને જણાવ્યું હતું કે દેશમાં કૃષિ સુધારને લઈને મારી સરકારે અનેક પ્રયત્નો કર્યા છે. 22 કરોડ સોઇલ કાર્ડ પણ આપવામાં આવ્યા છે. 1,62,000 હજાર કરોડ સીધા ખેડૂતોના ખાતામાં પણ જમા કરાવવામાં આવ્યા છે. ઉપરાંત કૃષિ માટેનું બજેટ પાંચ ગણું વધારવામાં પણ આવ્યું છે.

દરેક બાબતોને લઇને ખેડૂતોને હંમેશા ધ્યાનમાં રાખવામાં આવ્યા. 2014માં જ્યારે મારી સરકાર આવી અને હું વડાપ્રધાન બન્યો ત્યારે પણ સૌથી મોટું ફોકસ કૃષિ આધારિત રાખવામાં આવ્યું હતું. ત્રણ કાનૂન બનાવવામાં આવ્યા હતા તે ખેડૂતોના હિતમાં હતા અને દીવાના પ્રકાશ જેવા સરળ દેખાતા હોવા છતાં ક્યાંક અમે અમારી વાત ખેડૂતોને સમજાવી ન શક્યા પણ તેમ છતાં દેશમાં જ્યારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે હું સાચા હૃદયથી આ ત્રણેય બિલ પાછા ખેંચવાનો નિર્ણય કરું છું.

વડાપ્રધાનના આ નિર્ણયને ક્યાંક રાજકીય રીતે પણ જોવામાં આવી રહ્યો છે. આવનારા સમયમાં પંજાબ, ઉત્તર પ્રદેશ આ બે મુખ્ય રાજ્ય અને સાથોસાથ ગોવા,ઉત્તરાખંડમાં ચૂંટણી આવી રહી છે ત્યારે ખેડૂતો નારાજ ન થાય તે માટે પણ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની એક વાત સામે આવી રહી છે. જોકે અંતે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here