પેટ્રોલિયમ પેદાશોમાં પાંચ વર્ષમાં 57000 કરોડ ગુજરાત સરકારે વસૂલ્યા

ગુજરાતમાં પેટ્રોલિયમ પેદાશોમાં સરકાર જે વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) વસૂલ કરે છે તેની વાર્ષિક રકમ સરેરાશ 15000 કરોડ કરતાં વધારે થાય છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષની વસૂલાતનો આંકડો 57000 કરોડ સુધી પહોંચ્યો છે. આટલી મોટી રકમ ગુજરાતના વાહનચાલકો અને પીએનજી ધારકો પાસેથી સરકારે વસૂલ કરી છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિદિન જે વધારો થાય છે તેમાં ગુજરાત સરકારની આવકમાં પણ વધારો થાય છે. રાજ્યના નાણા વિભાગના સૂત્રોએ સત્તાવાર આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર 17 ટકાનો સૌથી મોટો વેલ્યુ એડેડ ટેક્સ છે, એટલું જ નહીં બન્ને બળતણ પર ચાર-ચાર ટકાનો સેસ વસૂલ કરવામાં આવે છે. વન ટેક્સ વન નેશનના વડાપ્રધાનના સ્લોગનની વિપરીત દેશની જનતા આજેપણ 25થી વધુ જાતના ટેક્સ ભરી રહી છે અને મોંઘવારીમાં પિસાઇ રહી છે. દેશ અને રાજ્યમાં ગુડ્સ એન્ડ સર્વિસ (જીએસટી) ટેક્સનો અમલ શરૂ થયાં પછી પણ પેટ્રોલિયમ પેદાશોને જીએસટીમાં સમાવવામાં નહીં આવતાં દેશ અને ગુજરાતની જનતા લૂંટાઇ રહી છે.

રાજ્ય સરકારે સીએનજી અને પીએનજી પર 15 ટકાનો વેટ નાંખેલો છે જ્યારે રાસાયણિક ખાતરો પર પાંચ ટકા જીએસટી છે. રાજ્ય સરકારે ખેડૂતોને પણ છોડ્યાં નથી. છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતો પાસેથી સરકારે 336 કરોડ જીએસટી પેટે ઉઘરાવી લીધા છે. નાણા વિભાગના ડોક્યુમેન્ટમાં જણાવાયા પ્રમાણે રાજ્યમાં પેટ્રોલ પેટે પાંચ વર્ષમાં સરકારને 15517 કરોડની વેલ્યુ એડેડ ટેક્સની આવક પ્રાપ્ત થઇ છે. ડીઝલમાં સરકારને 34937 કરોડ રૂપિયા મળ્યા છે.

સીએનજીમાં 1784 કરોડ અને પીએનજીમાં 4130 કરોડ રૂપિયા મળ્યા છે જ્યારે રાસાયણિક ખાતરોમાં જીએસટીમાં સરકારને 336 કરોડની આવક થઇ છે. આમ કુલ 56702 કરોડના વેરા સરકારે ઉઘરાવી લીધા છે. રાજ્યમાં પેટ્રોલિયમ પેદાશોમાં છેલ્લા એક વર્ષની આવક સરેરાશ 15000 કરોડ રૂપિયા થઇ છે.

2018-19ના નાણાકીય વર્ષમાં સરકારને પેટ્રોલ પેટે 4266.69 કરોડ, ડીઝલ પેટે 9734.63 કરોડ, સીએનજી પેટે 411.23 કરોડ, પીએનજી પેટે 702.09 કરોડ અને ખાતર પેટે 57.47 કરોડના વેરા પ્રાપ્ત થયાં છે. સરકારે રાસાયણિક ખાતરોને જીએસટી હેઠળ આવરી લીધું છે તેથી 2.5 ટકા સીજીએસટી અને 205 ટકા એસજીએસટી લાગુ પડે છે જ્યારે પેટ્રોલિયમ પેદાશો પર વેલ્યુ એડેડ ટેક્સ લાગુ કરવામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here