ગુજરાતમાં હિટવેવથી લોકો ત્રાહિમામ, રાજ્યમાં હજુ ત્રણ દિવસ ગરમી યથાવત રહેશે

ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી ગરમીનો પારો ઉપર જતો જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહમાં અમદાવાદ,રાજકોટ , જામનગર,વડોદરા સહિતના 10 થી વધુ શહેરમાં ગરમીનું તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. રાજકોટમાં તો ગત સપ્તાહ તાપમાન 43 ડિગ્રી સુધી પણ પહોંચ્યું હતું.

રાજ્યમાં ગત મહિનામાં કમોસમી વરસાદના અનેક રાઉન્ડ જોવા મળ્યા બાદ અચાનક ગરમીમાં વધારો જોવા મળ્યો હતો. હવામાન વિભાગે પણ અમદાવાદ અને ગુજરાતના મહત્તમ શહેરોમાં 5 દિવસનું યલો એલર્ટ પણ જાહેર કર્યું હતું અને લોકોને બપોરના સમયમાં બહાર ન નીકળવા પણ જણાવ્યું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાયો છે. આજે રાજ્યના મહત્તમ શહેરોમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 39 થી 41 ડિગ્રી રહેશે અને ન્યૂનતમ તાપમાન 24 થી 28 ડિગ્રી રહેશે.

હવામાન વિભાગના કહેવા અનુસાર રાજ્યમાં તાપમાન 39 થી 40 ડિગ્રી હજુ પણ રહેવાની સંભાવના પ્રબળ છે.અમદાવાદમાં તાપમાન 40 થી 41 તો ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. રાજકોટમાં મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો બીજી તરફ સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. સુરત જિલ્લામાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 41 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 41 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જો વાત કરીએ વડોદરા જિલ્લામાં તો મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. વલસાડ જિલ્લામાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. અમરેલીમાં પણ ગઈકાલે તાપમાન 41 ડિગ્રી જેટલું નોંધાયું હતું.

ગુજરાતના હવામાન ખાતાના વડા મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન મોટાભાગે સૂકું રહેવાની સંભાવના છે. આગામી ત્રણ દિવસ (21મી મે સુધી)ના તાપમાનમાં કોઈ ફેરફારની સંભાવના નથી. જોકે, એકાદ ડિગ્રી તાપમાન વધી શકે છે. હાલ પશ્ચિમી પવન ફૂંકાઈ રહ્યા છે. જમીન ગરમ થવાથી અને અરબી સમુદ્ર પરથી આવતા પવન ભેજ લઈને આવે છે જેના કારણે વાદળ બની રહ્યા છે. આ વાદળો વરસાદ લાવે તેટલા મજબૂત નથી. રાજ્યમાં વરસાદ થવાની સંભાવના બહુ ઓછી છે. હવામાન વિભાગે કેરળમાં ચોમાસું 4 જૂને પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે. તેથી ચોમાસું મોડું આવવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ગુજરાતમાં ચોમાસુ પહોંચતા મોડું થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here