વધતા જતા ઇંધણના ભાવ વચ્ચે ભારત ઇથેનોલના ઉત્પાદનમાં વધારો કરીને 2 લાખ કરોડની ઈથનોલ ઈકોનોમી બનાવીશું: નીતિન ગડકરી

નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ બુધવારે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે ભારત બળતણ ઇથેનોલનું ઉત્પાદન વધારશે. બ્રિક્સ નેટવર્ક યુનિવર્સિટી દ્વારા આયોજિત એક સંમેલનને સંબોધન કરતાં ગડકરીએ જણાવ્યું હતું કે બ્રાઝિલ, કેનેડા અને યુએસમાં ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનોનું ઉત્પાદન થતું હોવાથી ગ્રાહકો 100 ટકા પેટ્રોલ અથવા 100 ટકા બાયો-ઇથેનોલનો ઉપયોગ કરવાનો વિકલ્પ આપી રહ્યા છે. અમે પેટ્રોલના ભાવમાં વધારાને લીધે ઇથેનોલનું ઉત્પાદન વધારવાના છીએ તેમ નીતિન ગડકરીએ જણાવ્યું હતું.

છેલ્લા છ સપ્તાહમાં બળતણના ભાવ વધારાના કારણે મુંબઇ અને હૈદરાબાદ જેવા શહેરો સહિત દેશના કેટલાક ભાગોમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક અને લદ્દાખમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાથી વધુ છે.

નીતિન ગડકરીએ કહ્યું કે ઇથેનોલનો ઉપયોગ વિશ્વની તમામ રેસીંગ કારોના બળતણ તરીકે થાય છે. પ્રદૂષણ ઘટાડવા અને આયાતની પરાધીનતા ઘટાડવા માટે પેટ્રોલ સાથે 20 ટકા ઇથેનોલ મિશ્રણ પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક પાંચ વર્ષ વધારીને 2025 કરવામાં આવી છે. ગયા વર્ષે સરકારે પેટ્રોલમાં 2022 સુધીમાં 10 ટકા ઇથેનોલ મિશ્રણ કરવાનું અને 2030 સુધીમાં 20 ટકા સંમિશ્રિત કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું. નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, હાલમાં, પેટ્રોલની સાથે આશરે 8.5 ટકા ઇથેનોલ પેટ્રોલમાં ભેળવવામાં આવે છે જે 2014માં માત્ર 1 થી 1.5% જ હતું. જેની સરખામણીએ ઇથેનોલ પ્રાપ્તિ 38 કરોડ લિટરથી વધીને 320 કરોડ લિટર થઈ ગઈ છે.

તેમણે કહ્યું કે ભારત લગભગ 8 લાખ કરોડ રૂપિયાના ક્રૂડ તેલની આયાત કરે છે, અને આગામી ચાર-પાંચ વર્ષમાં તે બે ગણો વધશે જેની અર્થવ્યવસ્થા પર ભારે અસર પડશે. તેમણે કહ્યું કે, અમે આવતા પાંચ વર્ષમાં 2 લાખ કરોડની ઇથેનોલ ઇકોનોમી બનાવીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here