મુંબઇઃ ચાલુ વર્ષે ખાંડ વધારે કડવી બનશે તેવા સંકેતો ઇન્ડિયા સુગર મિલ્સ એસોસિએશન (ISMA) દ્વારા જાહેર કરાયેલા અહેવાલથી મળ્યા છે. ISMA દ્વારા 1લી ઓક્ટોબરથી શરૂ થયેલી નવી સુગર સિઝન માટેનો અગ્રિમ ઉત્પાદન અંદાજ જાહેર કર્યો છે. ISMAએ પિલાણ સિઝન 2019-20 દરમિયાન દેશમાં ખાંડનું ઉત્પાદન 268.5 લાખ ટન થવાની આગાહી કરી છે જે વાર્ષિક તુલનાએ ખાંડના ઉત્પાદનમાં 19 21.5 ટકાનો ઘટાડો દર્શાવે છે. તો વર્ષ 2018-19ની પિલાણ સિઝન દરમિયાન દેશમાં 331.6 લાખ ખાંડનું ઉત્પાદન થયું હતું. જ્યારે જુલાઇમાં જાહેર કરાયેલા અગ્રિમ અંદાજમાં વર્ષ 2019-20માં ખાંડનું ઉત્પાદન 282 લાખ ટન થવાની આગાહી કરી હતી. આમ ઉત્પાદન ઘટવાથી સ્થાનિક બજારમાં ખાંડના ભાવ ઉંચકાશે તે વાતમાં કોઇ બેમત નથી.
ISMAએ કહ્યું કે, ઓક્ટોબર 2019ના અંતે દેશમાં શેરડી હેઠળનો વાવેતર વિસ્તાર 48.31 લાખ હેક્ટર નોંધાયો હતો જે ગત વર્ષની તુલનાએ 18 ટકા ઓછું વાવેતર દર્શાવે છે. વર્ષ 2018-19માં 55.02 લાખ હેક્ટરમાં શેરડીનું વાવેતર થયું હતું.
ISMAએ કહ્યું કે, ઉપગ્રહ તસ્વીરો અને પ્રવર્તમાન સ્થિતિ દર્શાવે છે કે ચોમાસામાં વરસાદની સ્થિતિ અસામાન્ય રહી છે. વર્ષ 2019-20ની સુગર સિઝન દરમિયાન ખાંડનું ઉત્પાદન ચાર મહિના જાહેર કરાયેલા અંદાજ કરતા ઓછું રહેવાની ધારણા છે. આ વખતે શેરડી ઉત્પાદક બે મુખ્ય રાજ્યો મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પાકને ગંભીર રીતે માઠી અસર થઇ છે. જ્યારે શેરડીના કુલ ઉત્પાદનમાં ઉપરોક્ત બે રાજ્યોનું યોગદાન 35થી 40 ટકા જેટલું છે.
ચાલુ વર્ષે 78 લાખ ટન ખાંડની ઘટ પડવાની આશંકા NFCRFના પ્રમુખ દિલીપ વલ્સે પાટીલે કહ્યું કે, શેરડીનો વાવેતર વિસ્તાર ઘટવાની સાથે ઉત્પાદકતામાં ઘટાડાને પગલે ચાલુ સિઝન 2019-20માં ખાંડનું ઉત્પાદન ઘટી શકે છે. દેશમાં ખાંડનું ઉત્પાદન ચાલુ સિઝનમાં 260થી 265 લાખ ટન થવાની સંભાવના છે જ્યારે પાછલાં વર્ષે દેશમાં 331 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. આમ આ પ્રકારે ચાલુ વર્ષે ખાંડના ઉત્પાદનમાં 78 લાખ ટનની ઘટ પડવાની આશંકા છે. દેશના સૌથી મોટા ખાંડ ઉત્પાદક રાજ્ય ઉત્તરપ્રદેશમાં શેરડીનું વાવેતર ઘટ્યું છે. વર્ષ 2019-20ની સુગર સિઝનમાં ઉત્તર પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન 120 લાખ ટન થવાનો અંદાજ છે. જ્યારે વર્ષ 2018-19માં ત્યાં 118.21 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું.
આમ તો 1લી ઓક્ટોબરથી જ નવી પિલાણ સિઝન શરૂ થઇ જાય છે જો કે આ વખતે સુગર મિલોમાં નવી સિઝનના કામકાજની શરૂઆત થવામાં વિલંબ થયો છે. અત્યાર સુધી દેશભરમાં માત્ર 28 સુગર મિલો જ કાર્યરત થઇ છે અને તેમણે 14.50 લાખ ટન શેરડીનું પિલાણ કરીને 1.25 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે. આ માહિતી સરકારી ખાંડ મિલોના સંગઠન નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરીઝ લિમિટેડ એટલે કે NFCRFએ આપી છે.
NFCRFએ કહ્યું કે, દેશભરમાં 28 સુગર મિલોએ શેરટીનું પિલાણ શરૂ કર્યું છે અને અત્યાર સુધીમાં સૌથી વધારે ઉત્તરપ્રદેશમાં 13 મિલો શરૂ થઇ છે. ત્યારબાદ કર્ણાટકમાં 9, તમિલનાડુમાં 6 સુગર મિલોએ ઉત્પાદનની કામગીરી આરંભી છે. એક ઓક્ટોબરથી શરૂ થનાર ખાંડ ઉત્પાદન અને વિતરણ વર્ષમાં ચાલુ વર્ષે મોડેથી શેરડીનું પિલાણ શરૂ થયું છે.