નવી દિલ્હી: ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાના જનતા દળ (સેક્યુલર) એ શુક્રવારે કર્ણાટકમાં ગઠબંધનની જાહેરાત કરી અને 2024ની લોકસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) માં ઔપચારિક રીતે જોડાયા. JD(S)ના નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના વડા જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ આ જાહેરાત કરી હતી. આ વર્ષની શરૂઆતમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બંને પક્ષોને કારમી હાર આપી ત્યારથી ભાજપ અને જેડી(એસ) વચ્ચે સંભવિત ગઠબંધનની વાતો ચાલી રહી હતી. જ્યારે કોંગ્રેસે 135 બેઠકો જીતી હતી, ભાજપ માત્ર 66 અને JD(S) 19 બેઠકો જીતી શકી હતી.
નડ્ડાએ NDAમાં JD(S)નું સ્વાગત કર્યું. બીજેપી ચીફ નડ્ડાએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે…મને ખુશી છે કે જેડી(એસ) એ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સનો ભાગ બનવાનો નિર્ણય કર્યો છે. અમે એનડીએમાં તેમનું દિલથી સ્વાગત કરીએ છીએ. આ એનડીએ અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “નવા ભારત, મજબૂત ભારત”ના વિઝનને વધુ મજબૂત કરશે. બેઠક દરમિયાન હાજર રહેલા ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે, કર્ણાટકમાં એનડીએને મજબૂત કરવા માટે, જેડી(એસ) ભાજપ સાથે હાથ મિલાવ્યા છે. લોકસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણીના મુદ્દે, સાવંતે કહ્યું કે બંને પક્ષો બેસીને આ મુદ્દા પર નિર્ણય લેશે. 2019ની લોકસભા ચૂંટણીમાં, ભાજપે રાજ્યની 28 લોકસભા બેઠકોમાંથી 25 બેઠકો જીતી હતી, જ્યારે જેડી( S) માત્ર એક જ બેઠક જીતી શક્યા હતા.