લખીમપુર હિંસાના વિરોધમાં મહાવિકાસ અઘાડી જોડાણ આજે બંધ, આવશ્યક સેવાઓ ચાલુ રહેશે

મહારાષ્ટ્રમાં શાસક મહા વિકાસ અઘાડી (MVA) ના સહયોગી શિવસેના, NCP અને કોંગ્રેસે લખીમપુર ખેરીમાં થયેલી હિંસાના વિરોધમાં આજે મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું છે. 3 ઓક્ટોબરે લખીમપુરમમાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા. મહા વિકાસ આઘાડી કહ્યું છે કે અમે લોકોને બંધમાં જોડાવાની અપીલ કરીએ છીએ. શિવસેનાના રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે શનિવારે કહ્યું હતું કે તેમનો પક્ષ સંપૂર્ણ તાકાત સાથે બંધમાં ભાગ લેશે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના કાર્યકરો નાગરિકોને મળી રહ્યા છે અને તેમને બંધમાં જોડાવા અને ખેડૂતો સાથે એકતા બતાવવાની વિનંતી કરી રહ્યા છે. “ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે કૃષિ પેદાશોની લૂંટને મંજૂરી આપતા ત્રણ કાયદા બનાવ્યા છે અને હવે તેમના મંત્રીઓના સંબંધીઓ ખેડૂતોની હત્યા કરી રહ્યા છે. અમારે ખેડૂતો સાથે એકતા બતાવવી પડશે. “નવાબ મલિકે કહ્યું કે MVA એ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને બરતરફ કરવાની માંગ કરી છે. મંત્રીના પુત્રની સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ ધરપકડ કરવામાં આવી છે.

દરમિયાન, મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નાના પટોલેએ કહ્યું કે તેમની પાર્ટીના કાર્યકરો અને નેતાઓ રાજભવનની બહાર વિરોધ કરવા માટે ‘મૌન વ્રત’ પાળશે. પટોલેએ જણાવ્યું હતું કે, અમે તમામ કોંગ્રેસી કાર્યકરો અને લોકોને આ બંધમાં સફળ થવા માટે ભાગ લેવાની અપીલ કરી છે.

શિવસેના પૂરી તાકાતથી બંધમાં જોડાશે: સંજય રાઉત
શિવસેનાના રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે તેમનો પક્ષ સંપૂર્ણ તાકાત સાથે બંધમાં જોડાશે. તેમણે એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે બનાવેલા ખેડૂત વિરોધી કાયદા સામે લોકોને જાગૃત કરવા જરૂરી છે. કિસાન સભાએ આ બંધને ટેકો આપ્યો છે. સંગઠને કહ્યું છે કે 21 જિલ્લાઓમાં તેના કાર્યકરો બંધને સફળ બનાવવા માટે સમાન વિચારધારા ધરાવતા સંગઠનો સાથે સંકલન કરી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષ મિશ્રાની શનિવારે રાત્રે લખીમપુર ખેરીમાં 3 ઓક્ટોબરની હિંસા સંદર્ભે પોલીસે ધરપકડ કરી હતી. આશિષ પર યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના કાર્યક્રમનો વિરોધ કરી રહેલા ખેડૂતોને કચડી નાખનારા વાહનોમાં સવાર થવાનો આરોપ છે. આ અકસ્માતમાં ચાર ખેડૂતોના મોત થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here