પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસના ભારત બંધને મિશ્ર પ્રતિસાદ

નવી દિલ્હીઃ

પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમતો અને મોંઘવારીના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ ભારત બંધના એલાનનું નેતૃત્વ સંભાળવા પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધી કૈલાસ માનસરોવરની યાત્રાએથી પરત આવીને સીધા રાજઘાટ પર પહોંચી ગયા હતા.રાહુલ ગાંધીએ રાજઘાટ પર પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી અને કૈલાસ માનસરોવરથી લાવેલા જળનો બાપુની સમાધિ પર અભિષેક કર્યો હતો. ત્યાર બાદ તેમણે કોંગ્રેસની કૂચની આગેવાની સંભાળી હતી.

રાહુલ ગાંધી સાથે પૂર્વ વડા પ્રધાન ડો.મનમોહનસિંહ સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ તેમજ અન્ય પક્ષોના નેતાઓ ધરણાં પર બેસી ગયા હતા. ડો.મનમોહનસિંહે જણાવ્યું હતું કે પેટ્રોલના ભાવ વધારાથી આમ જનતા પરેશાન છે અને હવે સરકાર બદલવાનો સમય પાકી ગયો છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવે તમામ વિપક્ષોએ સંગઠિત થવું પડશે. નાના મુદ્દાઓ પરના મતભેદો ભૂલીને લોકોનો અવાજ બુલંદ કરવો પડશે. મોદી સરકાર દરેક મોરચે નિષ્ફળ ગઇ છે.

આ અગાઉ તેઓ કોંગ્રેસની કૂચ કાઢીને રામલીલા મેદાન પર પણ ગયા હતા. આ કૂચમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઉપરાંત એનસીપીના પ્રમુખ શરદ પવાર, જનતા દળના નેતા શરદ યાદવ, તારિક અનવર, રાજદના નેતા મનોજ ઝા, જેડીએસના દાનીશ અલી અને આરએલડીના જયંત ચૌધરી જેવા નેતાઓ આ કૂચમાં રાહુલ ગાંધી સાથે જોડાયા હતા.રામલીલા મેદાન પર વિરોધ પક્ષના ધરણાંમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ પણ પહોંચ્યા હતા.

પેટ્રોલ-ડીઝલના સળગતા ભાવવધારા અને ડોલરની સામે રૂપિયાના સતત ઘટતા જતા મૂલ્ય જેવા મુદ્દાઓ પર કોંગ્રેસે ‘ભારત બંધ’નું એલાન આપ્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે, ૨૧ વિપક્ષી દળો અને ટોચનાં વ્યાપાર સંગઠનોએ તેમનો ટેકો જાહેર કર્યો છે.

કોંગ્રેસના ભારત બંધનું સમર્થન કરનારાઓમાં શરદ પવારની એનસીપી, ડીએમકે, પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડાનો પક્ષ જનતાદળ (એસ), રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે), શરદ યાદવની લોકતાંત્રિક જનતાદળ, આરજેડી, હિન્દુસ્તાની અવામ મોર્ચા (હમ), બીએસપી, સીપીઆઈ, સીપીએમ, પીડબલ્યુપી, શેતકરી કામગાર પાર્ટી, આરપીઆઈ (જોગેન્દ્ર કવાડે જૂથ) અને રાજ શેટ્ટીની સ્વાભિમાની શેતકરી પાર્ટીનો સમાવેશ થાય છે.

પશ્ચિમ બંગાળની સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી), નવીન પટનાયકની બીજુ જનતાદળ (બીજેડી), મહારાષ્ટ્ર સરકારમાં ભાજપની સહયોગી શિવસેના, નીતીશકુમારનું જનતાદળ (યુ) અને દિલ્હીમાં સત્તાસ્થાને રહેલી આમ આદમી પાર્ટી (આપ)એ આ બંધનો વિરોધ કરીને તેનાથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે.

મમતા બેનરજીએ સ્પષ્ટ કર્યું છે કે, કોંગ્રેસે જે મુદ્દાઓ પર ભારત બંધનું એલાન આપ્યું છે એ મુદ્દાઓનું ટીએમસી સમર્થન કરે છે, પરંતુ તેઓ કોઈ પણ પ્રકારની હડતાળ કે બંધના વિરોધમાં છે.

આમ આદમી પાર્ટીએ પણ સાફ શબ્દોમાં જણાવી દીધું છે કે, ભારત બંધના મુદ્દાઓ યોગ્ય છે, પણ કોંગ્રેસને પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના મુદ્દે બંધનું એલાન કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી. સમાજવાદી પાર્ટી (સપા)એ પણ સમગ્ર ઉત્તરપ્રદેશમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણાં કરવાનું જાહેર કર્યું છે. સપાએ આજે લખનૌમાં મળનારી પક્ષની જિલ્લા અને મહાનગર અધ્યક્ષો અને મહાસચિવોની બેઠક પણ રદ્દ કરી છે.

દરમિયાન સમ્રગ દેશમાં આજે બંધને મિશ્રા પ્રતિસાદ મળ્યો હતો. રાજ્યોના શહેરોમાં સવારના સત્રમાં બંધ જેવો માહોલ જોવા મળ્યો હતો ઘણા રાજ્યોના શહેરમાં આગચંપી અને વાહનોના ટાયર સળગાવાના બનાવો બન્યા છે તો ઘણા શહેરમાં તોડફોડના સમાચાર પણ આવી રહ્યા છે.ગુજરાતમાં બંધને મિશ્રા પ્રતિસાદ મળ્યો છે જોકે રાજ્યના મોટા ભાગની સ્કૂલ અને કોલેજમાં બંધ પાડવામાં આવ્યો હતો.ભારતનું સૌથી મોટું રાજકોટ માર્કેટિંગ યાર્ડ પણ સજ્જડ બંધ રહ્યું હતું અને એક પણ જણસી ની હરાજી થઇ ન હતી

ગુજરાતમાં બંધ કરાવતી વખતે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા અને મહારાષ્ટ્રના સાંસદ અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સત્વની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી જયારે રાજકોટ આવેલા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય મનત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શુશીલ કુમાર શિંદેએ જણાવ્યું હતું કે પેટ્રોલ પરની એક્સાઇઝ સરકાર દ્વારા 12 વખત વધારવામાં આવી છે જેને કારણે પેટ્રોલ મોંઘુ થયું છે અને જીએસટીમાં સરકારે લાવું જોઈએ જેથી કરીને લોકોને રાહત મળે.

મુંબઈમાં પણ એમએનએસ ના કાર્યકર્તા દ્વારા ટ્રેઈન રોકવાના અને બસ પર પથ્થરમારોની ઘટના સામે આવી છે તો બીજી બાજુ બિહાર પટનામાં પણ તોફાનના સમાચાર સામે આવ્યા છે અને એમ્બ્યુલન્સ પહોંચી ન શકતા બે વર્ષની બાળકીને સારવાર ન મળતા મોત નીપજ્યું હોવાના સમાચાર પણ મળે છે.

દરમિયાન કોંગ્રેસ દ્વારા પણ બંધને ખાસ કરીને માધ્ય પ્રદેશ,રાજસ્થાન અને છત્તીસગઢ કે જ્યાં આ વર્ષમાં ચૂંટણી પણ આવી રહી છે ત્યાં ભારે જોર દેવામાં આવ્યું હતું.કોંગ્રેસે વડા પ્રધાન મોદીને પણ આ મુદ્દે મૌન તોડવાની વાત કરી છે.

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here