ચોમાસાની રાહ અને ગરમીમાંથી થોડી રાહત વચ્ચે, દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા ભાગોમાં હવામાન ફરી એકવાર કઠોર બની રહ્યું છે. તાપમાનનો પારો વધતા લોકો ફરી એકવાર આકરી ગરમીથી પરેશાન થવા લાગ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો વધુ ઊંચકાઈ શકે છે. આ સાથે ઘણા વિસ્તારમાં હિટ વેવની સ્થિતિ યથાવત રહી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૂકા અને ગરમ પશ્ચિમી પવનો વધુ તીવ્ર બનશે જેના કારણે તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. હાલમાં, અન્ય કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેખાતું નથી. આવી સ્થિતિમાં ફરી એકવાર ગરમી તેની અસર દેખાવા લાગશે. કેટલાક વિસ્તારોમાં ગરમીનું મોજુ પણ રહેશે. આગામી બે દિવસ સુધી કેટલાક રાજ્યોમાં 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. જ્યારે મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, દિલ્હી-NCRમાં આજે લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર મધ્ય પ્રદેશ સહિત દેશના ઘણા ભાગોમાં હીટવેવ જેવી સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે.
દરમિયાન, હવામાન વિભાગે ચોમાસાને લઈને ઘણી માહિતી આપી છે. IMD અનુસાર, જો બધુ બરાબર રહ્યું તો ગુરુવારે ચોમાસું કેરળના તટ પર આવી શકે છે. અગાઉ, ચોથી જૂને કેરળમાં ચોમાસાના પ્રવેશની આગાહી કરી હતી. બીજી તરફ, લેટેસ્ટ અપડેટ મુજબ, ચોમાસું હવે કેરળમાં 3 થી 4 દિવસના વિલંબ સાથે આવી શકે છે. વાસ્તવમાં, દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર પર વાદળો બની રહ્યા છે. આવી સ્થિતિમાં બદલાતી પરિસ્થિતિ વચ્ચે ચોમાસું મોડું થઈ રહ્યું છે. વાસ્તવમાં, દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે 1 જૂન સુધીમાં કેરળમાં પ્રવેશ કરે છે. પરંતુ આ વર્ષે તેમાં વિલંબ થઈ રહ્યો છે. ગયા વર્ષે, 2022નું ચોમાસું કેરળમાં બે દિવસ પહેલા 29 મેના રોજ પહોંચ્યું હતું. જ્યારે 2021માં ચોમાસું કેરળમાં 3 જૂને અને 2020માં 1 જૂને પ્રવેશ્યું હતું.
હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટની આગાહી અનુસાર, લક્ષદ્વીપ, કેરળ, તટીય અને દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. પશ્ચિમ હિમાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, સિક્કિમ સહિત કેટલાક સ્થળોએ પણ વરસાદ પડી શકે છે. આ સાથે દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા સહિતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે.