ગત સિઝનની શેરડીની 99 ટકાથી વધુ ચુકવણી થઈ: પીયૂષ ગોયલ

કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે ગત સિઝનમાં દેશના ખેડૂતોના શેરડીના 99 ટકાથી વધુ લેણાં મિલો દ્વારા ચૂકવવામાં આવ્યા છે, જે 1.15 લાખ કરોડ રૂપિયામાંથી 1.14 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.

તેમણે એમ પણ કહ્યું કે હવે ઉત્તર પ્રદેશની ત્રણ શુગર મિલો પર માત્ર 516 કરોડ રૂપિયા બાકી છે જેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મંત્રીએ કહ્યું કે 2013-14માં શેરડીના ભાવ તરીકે ખેડૂતોને 57,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. શેરડીના ભાવની બાકી રકમ બે-ત્રણ વર્ષ બાદ ખેડૂતોને આપવામાં આવી હતી. જોકે, 2022-23માં શેરડીના ઉત્પાદનમાં દોઢ ગણો વધારો થયો હતો અને શેરડીની બાકી રકમ રૂ. 1,15,000 કરોડ સુધી પહોંચી હતી. તેમણે કહ્યું કે આમાંથી 1,14,000 કરોડ રૂપિયા ખેડૂતોને સમયસર ચૂકવવામાં આવ્યા છે, જે 99 ટકાથી વધુ છે.

મંત્રીએ કહ્યું કે મિલોની ઉત્પાદકતા વધી છે, સહકારી મિલો સક્રિય બની છે અને તે નફાકારક છે અને કર્મચારીઓની નોકરીઓ સુરક્ષિત થઈ રહી છે.

તેમણે કહ્યું કે 10-12 વર્ષ પહેલા શુગર મિલોમાં અશાંતિની ઘટનાઓ બની હતી અને શેરડીના ખેડૂતોને તેમના લેણાં ન મળતા તેઓએ વિરોધ કરવા માટે રસ્તા પર આવવું પડ્યું હતું. જો કે, તેમણે કહ્યું કે, 2014માં ભાજપ સરકાર સત્તામાં આવી ત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની દૂરંદેશી સાથે ખાંડ ક્ષેત્રના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને અનેક પગલાં લીધા છે.

તેમાં ખાંડ મિલોને વાજબી ભાવ મેળવવામાં મદદ કરવા અને દેવું ઘટાડવા જેવા પગલાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ખાંડ મિલોને શેરડીના ખેડૂતોને ચૂકવણી કરવામાં મદદ કરવા માટે ઇથેનોલને પ્રાથમિકતા આપવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here