પેટ્રોલ ડીઝલ વાહનો બંધ કરવાની સરકારની કોઈ યોજના નથી: ગડકરી

સરકાર દ્વારા પેટ્રોલ તેમજ ડીઝલના વાહનો પર પ્રતિબંધ મૂકવાની કોઇ જ યોજના નથી તેમ જણાવતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉમેર્યું હતું કે મંદીમાં સપડાયેલ ઓટો ઉદ્યોગને ધમધમતો કરવા સરકાર તમામ પ્રયાસ કરશે.

ઘેરી કટોકટીમાં સપડાયેલ ઓટોમોબાઈલ ઊદ્યોગ માટે નાણાંમંત્રી સમક્ષ જીએસટીમાં ઘટાડો કરવા રજૂાત કરવા સહિતના અન્ય તમામ પગલા ભરવા સરકાર સક્રિય છે. વાહનોના વેચાણમાં વધારો થાય તે માટે આ ક્ષેત્રને સહાયની જરૂર છે.

આ ઉદ્યોગને સહાયરૂપ થવાય તે હેતુસર આગામી ત્રણ માસમાં રૂ. પાંચ લાખ કરોડના ૬૮ જેટલા રોડ પ્રોજેક્ટસ રજૂ કરવામાં આવશે. જેના કારણે આગામી સમયમાં કોમર્શિયલ વાહનોની માંગમાં વધારો થશે.

સરકાર પેટ્રોલ અને ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહી છે એવી વાતો થાય છે. પરંતુ, હું એ સ્પષ્ટ કરવા માંગું છું કે સરકારની આવી કોઈ જ યોજના નથી. અને આવો કોઈ પ્રતિબંધ પણ આવશે નહીં.ઓટો ઊદ્યોગને રાહત થાય તે હેતુસર અગાઉ ઇલેક્ટ્રિક વાહનો પરનો જીએસટી ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવામાં આવ્યો હતો.

આ પ્રકારની રાહત હાઈબ્રીડ વ્હીકલને પણ મળે તે માટે અમે નાણાંમંત્રીને રજૂઆત કરીશું.આ ઉપરાંત ખાંડ ઉદ્યોગ માટે જે રીતે નિકાસ, પ્રોત્સાહન જાહેર કરાયા છે તે રીતે જ ઓટો ઉત્પાદકો માટે પણ શક્ય નિકાસ પ્રોત્સાહન આપવા માટે આગામી સમયમાં નાણામંત્રી સાથે ચર્ચા કરાશે.

નવી દિલ્હી ખાતે ઓટોમોબાઈલ ક્ષેત્રની સંસ્થા સીઆમ આયોજીત કન્વેશનમાં બોલતા ગડકરીએ જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલના વાહનો પરના ટેક્સમાં ઘટાડો થવો જોઇએ તેવી ઓટો ઉદ્યોગની માંગ છે. આ સૂચન સહિતના અન્ય તમામ સૂચનોની નાણામંત્રી સાથે ચર્ચા વિચારણા કરી યોગ્ય પગલા ભરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here