ગૃહ મંત્રાલયે બહાર પાડી NRC ની યાદી,એકલા આસામમાં જ 19 લાખ વિદેશીઓ

પૂર્વોત્તરના રાજ્ય અસમમાં આજે નેશનલ સીટીઝન રજિસ્ટર (NRC)નું અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે. ગૃહમંત્રાલયે અંતિમ યાદી જાહેર કરી છે. એનઆરસીના સ્ટેટ કો-ઓર્ડિનેટર પ્રતીક હલેજાએ જણાવ્યું હ્તું કે, 3 કરોડ 11 લાખ 21 હજાર લોકોને એનઆરસીની અંતિમ યાદીમાં શામેલ કરવામાં આવ્યા છે.. જ્યારે 19,06,657 લોકોને યાદીમાંથી બહાર કરવામાં આવ્યા છે. હવે જે લોકો આ યાદીથી સંતુષ્ઠ નથી તેઓ ફોરેનર્સ ટ્રિબ્યૂનલ સમક્ષ અપીલ કરી શકશે.

આ લિસ્ટ ઈન્ટરનેટ અને રાજ્યના 2500 એનઆરસી સેવા કેન્દ્ર, 157 અંચલ કાર્યાલય અને 33 જિલ્લા ઉપાયુક્ત કાર્યાલયોમાં રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશના કારણે કોઈ પણ અધિકારી અત્યારે આ વિશે માહિતી આપી શકે તેમ નથી. ફાઇનલ યાદીમાં નામ તપાસવા માટે nrcassam.nic.in પર જઈને ચેક કરી શકાય છે. આ ઉપરાંત assam.mygov.in અને assam.gov.in પર લોકો પોતાનું નામ ચેક કરી શકે છે.

ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે NRCની યાદી શનિવાર સવારે 10 વાગ્યા સુધી ઓનલાઇન ઉપલબ્ધ થઈ જશે. જેની પાસે ઇન્ટરનેટ નથી, તે લોકો રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત કરવામાં આવેલા સેવા કેન્દ્રોમાં જઈને પોતાનું સ્ટેટસ જાણી શકે છે. બીજી તરફ, કોઈ પણ અપ્રિય ઘટનાનો સામનો કરવા માટે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યા છે. સરકારના અનુરોધ પર 51 કંપનીઓને તહેનાત કરવામાં આવી છે.

આ લોકોને જ યાદીમાં સ્થાન

આસામમાં 1951 બાદ પહેલીવાર નાગરિકતાની ઓળખ કરવામાં આવી રહી છે. બીજું કારણ, અહીં મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો છે. એનઆરસીનું ફાઇનલ અપડેશન સુપ્રીમ કોર્ટની દેખરેખમાં થઈ રહ્યું છે. મૂળે, 2018માં આવેલી એનઆરસી યાદીમાં 3.29 કરોડ લોકોમાંથી 40.37 લાખ લોકોના નામ સામે નહોતા. હવે ફાઇનલ એનઆરસીમાં તે લોકોના નામ સામેલ કરવામાં આવશે, જે 24 માર્ચ 1971 પહેલા આસામના નાગરિક છે કે તેમના પૂર્વજ રાજ્યમાં રહેતા આવ્યા છે. તેનું વેરિફિકેશન સરકારી દસ્તાવેજ દ્વારા કરવામાં આવે છે.

120 દિવસ લંબાવાઈ

એનઆરસી ઑથૉરિટીના વરિષ્ઠ અધિકારીઓએ નામ ન પ્રકાશિત કરવાની શરતે જણાવ્યું કે ફાઇનલ યાદીમાં નામ ન હોવા છતાંય લોકોને પોતે ભારતીય નાગરિક પુરવાર કરવા વધુ એક તક આપવામાં આવશે. એવા વિદેશી નાગરિક પહેલા ટ્રિબ્યૂનલમાં જશે, ત્યારબાદ હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકશે. લોકોને રાજ્ય સરકાર પણ કાયદાકીય મદદ કરશે. લોકોને આ સંબંધમાં અપીલ કરવા માટે 120 દિવસનો સમય મળશે. પહેલા આ સમય મર્યાદા માત્ર 60 દિવસ હતી.

આસામમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. હિંસા અને સાંપ્રદાયિક ઝઘડાઓની આશંકાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને ગૃહ મંત્રાલયએ લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી એડ્વાઈઝરીમાં લોકોને અફવા અને ફેક ન્યૂઝ પર વિશ્વાસ ન કરવાની અપીલ કરવામાં આવી છે. ગુવાહાટી સહિત 5 જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here