ઈસ્લામાબાદઃ ધ ન્યૂઝ ઈન્ટરનેશનલના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં 5.7 મિલિયનથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.દેશમાં બચાવ, રાહત અને પુનર્વસનની કામગીરી ચાલી રહી છે. આ આપત્તિએ લગભગ 719,558 પ્રાણીઓના જીવ લીધા છે. સરકારે પૂરની વિનાશક અસરનો સામનો કરવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે દાનની અપીલ કરી છે. પૂરને કારણે પાકિસ્તાનમાં ખેતીની જમીન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ અસર થઈ છે, પ્રાંતોમાં 949,858 ઘરોને નુકસાન થયું છે. પૂરથી મૃત્યુઆંક 1,000ને વટાવી ગયો છે અને જૂનથી હજારો લોકો ઘાયલ અથવા વિસ્થાપિત થયા છે.
જિયો ન્યૂઝે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ને ટાંકીને જણાવ્યું હતું કે, 14 જૂનથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1,033 લોકોના મોત થયા છે, જ્યારે વરસાદ અને પૂરના કારણે 1,527 લોકો ઘાયલ થયા છે. માહિતી અનુસાર, બલૂચિસ્તાનમાં ચાર, ગિલગિટમાં છ. બાલ્ટિસ્તાનમાં 31, ખૈબર પખ્તુનખ્વામાં 31 અને સિંધમાં 76 લોકોના મોત થયા છે. સમગ્ર પાકિસ્તાનમાંથી 14 જૂનના સંચિત ડેટા દર્શાવે છે કે 3,451.5 કિલોમીટરના રસ્તાઓને નુકસાન થયું હતું, અને 149 પુલ તૂટી પડ્યા હતા, 170 દુકાનો નાશ પામી હતી. જિયો ન્યૂઝ અનુસાર, પાકિસ્તાનના ઓછામાં ઓછા 110 જિલ્લા પૂરની ઝપેટમાં છે, જેમાંથી 72 જિલ્લાઓને આપત્તિગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. પાકિસ્તાન સૌથી ખરાબ કુદરતી આફત સામે લડી રહ્યું છે. પૂરને કારણે લાખો લોકોના જીવનને અસર થઈ છે. ત્યાર બાદ પાકિસ્તાન સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી.