રાવલપિંડી: પાકિસ્તાનની બજારમાંથી ખાંડ ગાયબ થઇ ગઈ છે. ખુલ્લા બજારમાંથી ખાંડ ગાયબ થઈ જતા, છૂટક વેપારીઓએ સરકારના દરે ખોટ પર ખાંડ વેચવાનો ઇનકાર કરી દીધો છે. 80 ટકાથી વધુ ગ્રાહકો અને લોકો ખાંડની શોધમાં અહીં તહીં ભટકતા હોય છે, પરંતુ શહેર અને કેન્ટોનમેન્ટ બોર્ડ વિસ્તારોમાં શુક્રવારે ખુલ્લા બજારમાંથી ખાંડની ખરીદી કરવામાં નિષ્ફળ ગયા છે. મોટાભાગના દુકાનદારો દ્વારા ગ્રાહકોને જાણ કરવામાં આવી હતી કે તેમણે ખાંડ વેચવાનું બંધ કરી દીધું છે, અથવા તો સ્ટોર પર ખાંડ ઉપલબ્ધ નથી.
રાવલપિંડી જનરલ સ્ટોર્સ વેલફેર એસોસિએશનના વરિષ્ઠ પ્રતિનિધિઓ નાસિર શાહ, મુહમ્મદ ઝુબેર, અખ્તર ખાન, દિલ નવાઝ, રાશિદ મહેમૂદ શેખ, મહંમદ સદ્દિક, સાજિદ મહેમૂદ અને ઘણા લોકોએ અહેવાલ આપ્યો છે કે, તેઓ જથ્થાબંધ બજારમાંથી 106 રૂપિયામાં 1 કિલો ખાંડ ખરીદી રહ્યા છે, અને કેવી રીતે આપણે તેને 85 રૂપિયામાં વેચી શકીએ? તેમણે એમ પણ કહ્યું હતું કે, સ્થાનિક વહીવટીતંત્ર એફઆઈઆર નોંધીને અને નિયમિત ધોરણે દંડ લાદતા તેમને સતત પજવણી કરે છે, તેથી તેઓએ ખાંડનું વેચાણ બંધ કરવાનું નક્કી કર્યું છે.
ઓલ પાકિસ્તાન ટ્રેડર્સ એસોસિએશન (પંજાબ) ના પ્રમુખ શર્જીલ મીરે પણ કહ્યું હતું કે, ખાંડ ખુલ્લા બજારમાંથી ગાયબ થઈ ગઈ છે. તેમણે કહ્યું, ‘રિટેલ દુકાનદારો 106 રૂપિયા કિલોની ખાંડ 85 રૂપિયામાં કેવી રીતે વેચી શકે છે. તેમણે દાવો કર્યો હતો કે સ્થાનિક વહીવટ છૂટક દુકાનદારોને ખોટમાં ખાંડ વેચવાની ફરજ પાડે છે, તેથી છૂટક દુકાનદારોએ ખાંડનું વેચાણ બંધ કરી દીધું છે. જો સરકાર ખરેખર લોકોને કોઈ પ્રકારની રાહત આપવા માંગે છે, તો તેઓએ દરેક ઘર માટે 585 રૂપિયાના દરે 5 કિલોનું પેકેટ મોકલવું જોઈએ. સરકાર માત્ર પ્રજા સાથે મજાક કરે છે.