છેલ્લા બે દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર રહ્યા બાદ આજે ફરી એક વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા દિવસથી ફરીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આગ લાગી છે. તેમાં પેટ્રોલિયમ કંપનીઓએ ફરીથી પેટ્રોલની કિંમતમાં વધારો કર્યો છે અને ડીઝલના દરમાં પણ વધારો કર્યો છે. પેટ્રોલનો ભાવ 31-39 પૈસા અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર 15-21 પૈસા મોંઘો થયો છે. આ ફેરફાર પછી, દિલ્હીના ઇન્ડિયન ઓઇલના પંપ પર પેટ્રોલ લિટર દીઠ 101.54 રૂપિયા છે. ડીઝલ પણ અહીં પ્રતિ લિટર 89.87 રૂપિયામાં વેચાઇ રહ્યું છે.મુંબઈમાં પણ પેટ્રોલ હવે લગભગ 107 રૂપિયા સુધી પહોંચી ગયું છે જયારે ભોપાલમાં 110 રૂપિયા આસપાસ થઇ ગયું છે.
ઘણા શહેરોમાં કિંમત 100 રૂપિયાને પાર
મુંબઈ, દિલ્હી, કલકત્તા, ચેન્નાઈ, ભોપાલ અને જયપુર સહિત આવા ઘણા મોટા શહેર છે જ્યાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયો છે. આપને જણાવી દઈએ કે દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.