બિજનૌરઃ ઉત્તર પ્રદેશના શુગર બાઉલ તરીકે ઓળખાતા બિજનૌર જિલ્લાના ચાંગીપુર ગામમાં આ વર્ષે ઓક્ટોબર સુધીમાં એક શુગર મિલની સ્થાપના કરવામાં આવશે. જિલ્લા શેરડી અધિકારી પ્રભુ નારાયણ સિંઘે જણાવ્યું હતું કે બિંદલ ગ્રુપ દ્વારા 300 વીઘા ખેતીની જમીન પર 630 કરોડના ખર્ચે મિલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મિલના જનરલ મેનેજર જિતેન્દ્ર કુમાર મલિકે જણાવ્યું હતું કે, અમે નૂરપુર વિસ્તારના ચાંગીપુર ગામમાં ખાંડની મિલ અને ડિસ્ટિલરી સ્થાપી રહ્યા છીએ. મિલ દરરોજ ઓછામાં ઓછા એક લાખ ક્વિન્ટલ શેરડીનું પિલાણ કરશે. આ વર્ષે 15 ઓક્ટોબરથી ઇથેનોલનું ઉત્પાદન શરૂ થશે.
નવી શુગર મિલ શેરડીના ઉત્પાદકો માટે વરદાન સાબિત થશે કારણ કે તે પિલાણની સિઝન દરમિયાન અન્ય મિલોનો ભાર ઓછો કરશે. શેરડીના ખેડૂતો સમયસર તેમનો પાક લઈ શકશે.હાલમાં જિલ્લામાં નવ શુગર મિલો છે જેમાંથી એક સહકારી અને બાકીની ખાનગી છે. નવેમ્બરથી મે સુધીની પિલાણ સિઝન દરમિયાન આ મિલો દરરોજ 6.5 લાખ ક્વિન્ટલથી વધુ શેરડીનું પિલાણ કરે છે.બિજનૌર લખીમપુર પછી રાજ્યમાં શેરડી ઉગાડતો બીજો સૌથી મોટો જિલ્લો છે. અહીં 2.5 લાખ હેક્ટરમાં શેરડીની ખેતી થાય છે.