નવી દિલ્હી: કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા 2021-22 માટે મુખ્ય ખરીફ પાકના ઉત્પાદનના પ્રથમ એડવાન્સ અંદાજ જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે 2021-22 માટે મુખ્ય ખરીફ પાકના ઉત્પાદનના મંગળવારે જાહેર કરેલા એડવાન્સ અંદાજ મુજબ 2021-22 દરમિયાન દેશમાં કુલ શેરડીનું ઉત્પાદન 419.25 મિલિયન ટન રહેવાનો અંદાજ છે. 2021-22 દરમિયાન શેરડીનું ઉત્પાદન સરેરાશ શેરડી ઉત્પાદન 362.07 મિલિયન ટન કરતા 57.18 મિલિયન ટન વધારે છે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે માહિતી આપી હતી કે ખરીફ સીઝનમાં 150.50 મિલિયન ટન રેકોર્ડ અનાજ ઉત્પાદનનો અંદાજ છે. તેમણે કહ્યું કે ખેડૂતોની અથાક મહેનત, વૈજ્ઞાનિકોની કુશળતા અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારની ખેડૂત મૈત્રીપૂર્ણ નીતિઓને કારણે બમ્પર ઉત્પાદન થઈ રહ્યું છે.