સૌરાષ્ટ્રમાં શેરડીના ભાવ ઘટી જતા ખેડૂતો પરેશાન, ખાંડ મિલો 4 વર્ષથી બંધ

147

સૌરાષ્ટ્રના ઉના અને ગીર સોમનાથ પંથકમાં શેરડી પકવતા ખેડૂતો માટે પરેશાની શરૂ થઈ છે. શેરડીનું ઉત્પાદન થયું છે પરંતુ સુગર મિલ બંધ થઈ ગઈ હોવાથી ખેડૂતોને શેરડીના પૂરતા ભાવ નથી મળી રહ્યા. જેના કારણે ખેડૂતો દ્વારા ગોળ બનાવવા માટેના રાબડાના પ્લાન્ટ શરૂ કરાયા છે. જો કે તે પણ ગત વર્ષની તુલનામાં ત્રીજા ભાગના જ શરૂ થયા છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ઉના અને ગીર સોમનાથ પંથકમાં શેરડીનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે. આ વખતે પણ શેરડીનો પાક સારા પ્રમાણમાં થયો છે. પાક સારો થયો હોવા છતાં ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળતો નથી. કારણ કે, આ વિસ્તારમાં આવેલી ત્રણ સુગર મિલ છેલ્લા ચારેક વર્ષથી બંધ પડી છે. સુગર મિલ ચાલુ હતી ત્યારે ખેડૂતોને તેમની શેરડીના સારા ભાવ મળી રહેતા હતા. પરંતુ સુગર મિલ બંધ હોવાના લીધે ખેડૂતોને આ વખતે પણ શેરડીના સારા ભાવ મળી રહ્યા નથી.

 ખેડૂતોને શેરડીના ભાવ મળે તે માટે સરકાર નિષ્ક્રિય:
 
 ખેડૂત અગ્રણીઓ સૌરાષ્ટ્રના ઉના, કોડીનાર અને તાલાલા પંથકના શેરડી પકવતા ખેડૂતો હરિભાઇ ખેર અને અશ્વિનસિંહ ચૌહાણે જણાવ્યુ હતું કે, શેરડી પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સરકાર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરાતી નથી. સુગર મિલો બંધ છે તેને શરૂ કરવા માટે ત્રણ ચાર વર્ષથી કોઈ ઠોસ નિર્ણય લેવાતા નથી. જેના કારણે ખેડૂતોને શેરડીના યોગ્ય ભાવો મળતા નથી.
 
શેરડીના રૂ. 2200થી 2500ના ભાવ સામે હાલમાં રૂ. 1600થી 1700
 
 શેરડીના ઉત્પાદન બાદ ખેડૂતોને જે બજાર ભાવ મળવો જોઈએ તે મળતો નથી. શેરડીનો ભાવ હાલમાં પ્રતિ ટન રૂ. 2200થી 2500નો મળવો જોઈએ. પરંતુ હાલમાં ખેડૂતોને શેરડીનો ભાવ પ્રતિ ટન રૂ. 1600થી 1700નો મળી રહ્યો છે.
સરકાર દ્વારા સુગર મિલ શરૂ કરવા માટે ઠાલા વચનો અપાય છે
 
 ગીર સોમનાથ શેરડી – ગોળ ઉત્પાદક ખેડૂત મંડળના પ્રમુખ બાબુભાઈ ગોહિલે જણાવ્યુ હતું કે, ઉના, કોડીનાર અને તાલાલા પંથકમાં આવેલી સુગર મિલ છેલ્લા ચાર વર્ષ જેટલા સમયથી બંધ પડી છે. આ સુગર મિલ શરૂ કરાવવા માટે ખેડૂતો દ્વારા અવાર નવાર સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા ચૂંટણીઓ સમયે સુગર મિલ શરૂ કરવાના માત્ર ઠાલા વચનો અપાય છે. પરંતુ સુગર મિલો શરૂ કરાતી નથી.
સુગર મિલ બંધ હોવાથી ખેડૂતોને શેરડીના યોગ્ય ભાવ મળતા નથી
 
 ગોહિલે જણાવ્યુ હતું કે, આ પંથકમાં ત્રણ સુગર મિલો ચાલતી હતી ત્યારે ખેડૂતોને શેરડીના યોગ્ય ભાવો મળી રહેતા હતા. પરંતુ સુગર મિલો બંધ પડેલી હોવાથી ખેડૂતોને શેરડીના યોગ્ય અને પોષણક્ષમ ભાવો નથી મળી રહ્યા. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 19 સુગર મિલ ચાલે છે જેના કારણે ત્યાંના ખેડૂતોને શેરડીના સારા ભાવ મળી રહે છે.
શેરડીના યોગ્ય ભાવો ન મળતા ખેડૂતોએ રાબડા શરૂ કર્યા 
  તેમણે જણાવ્યુ હતું કે, ઉના, કોડીનાર અને તાલાલા પંથકમાં પકવવામાં આવેલી શેરડીના ખેડૂતોને યોગ્ય ભાવો મળી રહ્યા નથી, જેથી ખેડૂતોએ ગોળ બનાવવા માટે રાબડા શરૂ કર્યા છે. જેમાં ઉના, કોડીનાર અને  તાલાલા પંથકમાં 100 જેટલા ગોળના રાબડા શરૂ કરવામાં આવ્યા છે. ગત વર્ષની તુલનામાં ત્રીજા ભાગના જ રાબડા શરૂ થયા ગોહિલે કહ્યું હતું કે, પંથકમાં ગત વર્ષે આ સિઝન દરમિયાન 350થી વધુ રાબડા ધમધમતા હતા. પરંતુ આ વર્ષે મંદીના કારણે માત્ર ત્રીજા ભાગના જ એટલે કે માંડ 100 જેટલા રાબડાના પ્લાન્ટ શરૂ થયા છે.
મધ્યપ્રદેશમાંથી નબળા ગોળની આવકથી સ્થાનિક ખેડૂતોને ફટકો
બાબુભાઈ ગોહિલે જણાવ્યુ હતું કે, ગુજરાતના ખેડૂતો સરકારના ધોરણ મુજબ 80 ટકા સુગરનું ધોરણ અપનાવીને ગોળ બનાવે છે. પરંતુ ગુજરાતમાં મધ્યપ્રદેશમાંથી ગોળની આયાત કરવામાં આવે છે જેના કરને રાજ્યના સ્થાનિક ખેડૂતોને નુકશાન થઈ રહ્યું છે. તેમણે જણાવ્યુ હતું કે, મધ્યપ્રદેશના ગોળમાં સુગરનું પ્રમાણ જાળવવામાં આવતું નથી. જેથી તેમને ગોળનો ઉતારો પ્રતિ ટન વધારે આવે છે જેથી તેઓ સસ્તા ભાવે આપે છે. પરંતુ તેની ગુણવત્તા આપણાં ગોળ કરતાં ઊતરતી હોય છે. કારણ કે તેમાં સુગરનું પ્રમાણ 60 ટકા કરતાં ઓછું હોય છે.
 
  રાબડાના એક પ્લાન્ટમાં રોજ 20થી 25 ટન શેરડીનું પીલાણ
સ્થાનિક ખેડૂત અગ્રણીના જણાવ્યા મુજબ એક રાબડામાં દરરોજ સરેરાશ 20થી 25 ટન શેરડીનું પીલાણ કરવામાં આવે છે. જેમાંથી સરેરાશ દરરોજ 2000થી 2500 કિલો ગોળનું ઉત્પાદન થાય છે.
  ગોળના ભાવ પણ ઘટી ગયા
બાબુ ગોહીલે જણાવ્યુ હતું કે, મધ્યપ્રદેશમાંથી આયાત કરતાં ગોળના લીધે સ્થાનિક ગોળના ભાવ ઘટી ગયા છે. તેમણે કહ્યું હતું કે, લાલ ગોળનો ભાવ પ્રતિ 20 કિલોનો રૂ. 571 નો હતો તે ઘટીને હાલમાં રૂ. 490 નો થઈ ગયો છે. જ્યારે પીળા ગોળનો ભાવ રૂ. 625 ઘટીને રૂ. 510 થઈ ગયા છે. જેના કારણે ખેડૂતોએ નુકશાન થઈ રહ્યું છે.
ખેડૂતો સીધો ગોળ વેચે તો પ્રતિ મણ 200 રૂપિયાનો ફાયદો 
 
કોડીનારના ખેડૂત અગ્રણી અશ્વિનસિંહ ચૌહાણે જણાવ્યુ હતું કે, ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલા ગોળનું વેપારીને વેચાણ કરવામાં આવે તો તેમને પ્રતિ 20 કિલોએ રૂ. 400 થી 450ના ભાવ મળે છે. જ્યારે ખેડૂત પોતે સીધો માલ ગ્રાહકોને વેચે તો તેને પ્રતિ 20 કિલોના રૂ. 600થી 650નો ભાવ મળે છે. જેથી કેટલાક ખેડૂતો ગોળ બનાવીને પોતેજ સીધા ગ્રાહકોને વેચી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here