ગૌહાટી: ચોમાસા પહેલા આસામમાં પૂરના કારણે લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. રાજ્યના સાત જિલ્લામાં પૂરથી 57,000 લોકોને અસર થઈ છે. સત્તાવાર આંકડા અનુસાર, 25 મહેસૂલી વર્તુળોમાં આવતા લગભગ 222 ગામો આ પૂરની ઝપેટમાં છે જ્યારે 10321.44 હેક્ટર ખેતીની જમીન પૂરમાં ડૂબી ગઈ છે. પૂરના કારણે એક બાળક સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં 202 મકાનોને નુકસાન થયું છે. રાજ્યમાં 18 મે સુધી વરસાદનું એલર્ટ છે.
સેના, અર્ધલશ્કરી દળો, એસડીઆરએફ, ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી સેવાઓ પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. હોજાઈ, લખીમપુર અને નાગાંવ જિલ્લામાં રસ્તા, પુલ અને નહેરો ડૂબી ગયા છે. શનિવારે અવિરત વરસાદને કારણે દિમા હસાઓ જિલ્લાના 12 ગામોમાં ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયા છે અને રેલવે ટ્રેકને નુકસાન થયું છે. પહાડી વિસ્તારમાં પણ સંચાર સેવાને અસર થઈ છે.
લૂમડિંગ ડિવિઝનમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. આને ધ્યાનમાં રાખીને, નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વેએ ટ્રેનના સંચાલનમાં ઘણા ફેરફાર કર્યા છે. પૂર અને વરસાદના કારણે આ રૂટ પરની બે ટ્રેનો ફસાઈ ગઈ હતી. આ ટ્રેનોમાં લગભગ 1400 મુસાફરો સવાર છે. એરફોર્સ, એનડીઆરએફ, આસામ રાઈફલ્સ અને સ્થાનિક લોકોની મદદથી આ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.
ભારતીય વાયુસેના આસામના ડિટોકચેરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરી રહી છે
ડિટોકચેરા સ્ટેશન પર ફસાયેલા લગભગ 1,245 મુસાફરોને બદરપુર અને સિલચર લાવવામાં આવ્યા છે જ્યારે 119 મુસાફરોને એરલિફ્ટ કરીને સિલચર લાવવામાં આવ્યા છે. રેલવેએ આ ફસાયેલા મુસાફરો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 18 મે સુધી વરસાદની સંભાવના છે.