ખાદ્યચીજોના ભાવ વધતા જૂન મહિનામાં મોંઘવારીનો દર વધીને 3.18 ટકા નોંધાયો

સેન્ટ્રલ સ્ટેટિસ્ટીક્સ ઓફિસ (CSO) દ્વારા જાહેર કરાયેલા મોંઘવારીના આંકડા મુજબ જૂન મહિનામાં ફૂડ ઇન્ફ્લેશન 2.17 ટકા રહ્યો છે જે તેની અગાઉના મહિને 1.83 ટકા હતો. પ્રોટિનના અગ્રણી સ્ત્રોત એવી ખાદ્યચીજો, ઇંડા-મીટના ભાવ વધ્યાં છે. જો કે શાકભાજી અને ફળના ભાવ વૃદ્ધિનો દર નીચો રહ્યો છે જે મે મહિનાના 5.46 ટકાથી ઘટીને જૂન મહિનામાં 4.66 ટકા રહ્યો છે.

તેવી જ રીતે અનાજના ભાવમાં મોંઘવારી દર 1.24 ટકાથી વધીને 1.31 ટકા થયો છે. કપડાં અને ચંપલના ભાવ જૂનમાં 1.52 ટકા વધ્યા છે જ્યારે મે મહિનામાં 1.8 ટકા ભાવ વધ્યા હતા. જૂનમાં કઠોળ-દાળના ભાવ નોંધપાત્ર વધતા સમગ્ર મોંઘવારી દર 8 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. ગત જૂન મહિનામાં કઠોળ-દાળના ભાવ 5.68 ટકા વધ્યા છે જ્યારે મે મહિનામાં 2.13 ટકા જ ભાવ ઊંચકાયા હતા.

ભારતમાં આર્થિક સ્થિતિ ચિંતાજનક હોવાના સંકેત કોઇને કોઇ દેખાતા જ રહે છે. મે મહિનામાં ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP) એટલે કે ઔદ્યોગિક ઉત્પાદન આંક ઘટીને 3.1 ટકાના સ્તરે આવી ગયો છે જ્યારે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં ઔદ્યોગિત ઉત્પાદન વૃદ્ધિદર 3.8 ટકા નોંધાયો હતો.

તો બીજી બાજુ રિટેલ મોંઘવારી દર પણ વધીને 8 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. જૂન મહિનામાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) કે ગ્રાહક ભાવાંકની રીતે મોંઘવારીનો દર વધીને 3.18 ટકા નોંધાયો છે. જ્યારે મે મહિનામાં મોંઘવારી દર 3.05 ટકા અને જૂન 2018માં 4.92 ટકા હતો. કઠોળ-દાળ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધવાથી મોંઘવારી વધ્યો છે. જેથી સરકાર માટે મોંઘવારી દરને અંકુશમાં રાખવી, રાજકોષીય ખાધને નિયંત્રણમાં રાખવી અને રિઝર્વ બેન્ક માટે વ્યાજદર ઘટાડવા મુશ્કેલી બન્યા છે.

ઔદ્યોગિક સેક્ટરની વાત કરીએ તો પાવર જનરેશન સેક્ટરની કામગીરી એકંદરે સારી રહી છે અને ગત મે મહિનામાં તેણે 7.4 ટકાનો વૃદ્ધિદર દર્શાવ્યો છે જ્યારે વર્ષ પૂર્વેના સમાન સમયગાળામાં તેનો ગ્રોથ રેટ માત્ર 4.2 ટકા જ હતો. માઇનિંગ સેક્ટરનું ઉત્પાદન 3.2 ટકા વધ્યું જે વર્ષ પૂર્વે 5.8 ટકા વધ્યું હતું. આમ તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો પ્રોડક્શન ગ્રોથ રેટ ઘટીને અઢી ટકાના સ્તેર આવી ગયો છે જે વર્ષ પૂર્વેના સમાન સમયગાળામાં 3.6 ટકા નોંધાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here