પ્રધાનમંત્રી 30 જુલાઇએ ઐતિહાસિક પહેલ તરીકે ઊર્જા ક્ષેત્રની સુધારેલી વિતરણ ક્ષેત્ર યોજનાનો પ્રારંભ કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 જુલાઇના રોજ બપોરે 12:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય – પાવર @2047’ની પરાકાષ્ઠાને અંકિત કરતી ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી સુધારેલી વિતરણ ક્ષેત્ર યોજનાનો પ્રારંભ કરશે. આ ઉપરાંત, તેઓ NTPCની વિવિધ ગ્રીન એનર્જી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે અને તેનો શિલાન્યાસ કરશે. તેઓ રાષ્ટ્રીય સૌર રૂફટોપ પોર્ટલનો પણ પ્રારંભ કરશે.

પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ, સરકારે ઊર્જા ક્ષેત્રમાં સંખ્યાબંધ નવતર પહેલ હાથ ધરી છે. આ સુધારાઓના કારણે સૌના માટે પરવડે તેવી વીજળી ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને આ ક્ષેત્રમાં પરિવર્તન લાવી શકાયું છે. અગાઉ વીજળીની પહોંચ ધરાવતા ન હતા તેવા લગભગ 18,000 ગામડાઓનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે તે બાબત છેવાડાના સ્થળ સુધી વીજળીની પહોંચ સુનિશ્ચિત કરવાની દિશામાં સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ઐતિહાસિક પહેલ તરીકે, પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન ઊર્જા મંત્રાલયની મુખ્ય સુધારેલી વિતરણ ક્ષેત્ર યોજનાનો પ્રારંભ કરશે જેનો ઉદ્દેશ ડિસ્કોમ અને ઊર્જા વિભાગોની પરિચાલન કાર્યક્ષમતા અને નાણાકીય ટકાઉક્ષમતામાં સુધારો કરવાનો છે. નાણાકીય વર્ષ 2021-22 થી નાણાકીય વર્ષ 2025-26 સુધીના પાંચ વર્ષના સમય દરમિયાન આ યોજના પાછળ રૂપિયા 3 લાખ કરોડ કરતાં વધારે ખર્ચ કરવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય વિતરણ માટેની માળખાકીય સુવિધાઓના આધુનિકીકરણ અને મજબૂતીકરણ માટે ડિસ્કોમને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જેના દ્વારા છેવટના ગ્રાહકોને પુરવઠાની વિશ્વસનીયતા અને ગુણવત્તા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ યોજના પરિચાલન કાર્યક્ષમતામાં સુધારો કરીને અને તમામ રાજ્ય-ક્ષેત્રના ડિસ્કોમ અને પાવર વિભાગોની નાણાકીય સ્થિરતા પૂરી પાડીને 2024-25 સુધીમાં સમગ્ર ભારતમાં 12-15%ના AT&C (એગ્રિગેટ ટેકનિકલ અને કોમર્શિયલ) નુકસાનમાં ઘટાડો કરવાનો અને અને ACS-ARR (એવરેજ કોસ્ટ ઓફ સપ્લાય – એવરેજ રેવન્યુ રીઅલાઇઝ્ડ) અંતરાયને ઘટાડીને શૂન્ય પર લાવવાનો ઉદ્દેશ પણ ધરાવે છે.

કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીના હસ્તે NTPCની રૂપિયા 5200 કરોડથી વધુ મૂલ્યની વિવિધ ગ્રીન એનર્જી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે અને શિલાન્યાસ પણ કરવામાં આવશે. તેઓ તેલંગાણામાં 100 મેગાવૉટની રામાગુંદમ ફ્લોટિંગ સોલર પરિયોજના અને કેરળમાં 92 મેગાવૉટની કયામકુલમ ફ્લોટિંગ સોલર પરિયોજનાનું પણ ઉદ્ઘાટન કરશે. તેઓ રાજસ્થાનમાં 735 મેગાવૉટની નોખ સોલાર પરિયોજના, લેહમાં ગ્રીન હાઇડ્રોજન મોબિલિટી પરિયોજના અને ગુજરાતમાં કુદરતી ગેસ સાથે કાવાસ ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પરિયોજનાનો શિલાન્યાસ કરશે.

રામાગુંદમ પરિયોજના ભારતની સૌથી મોટી ફ્લોટિંગ સોલર PV પરિયોજના છે જેમાં 4.5 લાખ ‘મેડ ઇન ઇન્ડિયા’ સોલર PV મોડ્યૂલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કયામકુલમ પરિયોજના ભારતની બીજી સૌથી મોટી ફ્લોટિંગ સોલર PV પરિયોજના છે જેમાં પાણી પર તરતી 3 લાખ ‘મેડ ઇન ઇન્ડિયા’ સોલર PV પેનલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રાજસ્થાનના જેસલમેરમાં નોખ ખાતેનો 735 મેગાવૉટની સોલાર PV પરિયોજના એ એક જ સ્થાને 1000 MWp સાથેની ભારતની સૌથી મોટી સ્થાનિક કન્ટેન્ટ રિક્વાયરમેન્ટ આધારિત સોલાર પરિયોજના છે, જેમાં ટ્રેકર સિસ્ટમ સાથે હાઇ-વોટેજ બાયફેસિયલ PV મોડ્યૂલ્સનો ઉપયોગ કરવામાં આવશે. લેહ, લદ્દાખ ખાતે શરૂ થનારી ગ્રીન હાઇડ્રોજન મોબિલિટી પરિયોજના એક પાયલોટ પ્રોજેક્ટ છે અને તેનો ઉદ્દેશ લેહ અને તેની આસપાસમાં પાંચ ફ્યુઅલ સેલ બસો દોડાવવાનો છે. આ પાયલોટ પ્રોજેક્ટ ભારતમાં જાહેર ઉપયોગ માટે ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વાહનોની પ્રથમ નિયુક્તિ હશે. NTPC કાવાસ ટાઉનશીપ ખાતે ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પાયલોટ પ્રોજેક્ટ એ ભારતની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પરિયોજના હશે જે કુદરતી ગેસના વપરાશમાં ઘટાડો કરવામાં મદદરૂપ થશે.

પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન, રાષ્ટ્રીય સૌર રૂફટોપ પોર્ટલની પણ શરૂઆત કરશે જેનાથી રૂફટોપ સોલર પ્લાન્ટ્સના ઇન્સ્ટોલેશનનું ઑનલાઇન ટ્રેકિંગ કરી શકાશે, અરજીની નોંધણી કરવાથી લઇને પ્લાન્ટના ઇન્સ્ટોલેશન અને નિરીક્ષણ પછી રહેણાંક ગ્રાહકોના બેંક ખાતામાં સબસિડીની રકમ જમા થવા સુધીની પ્રગતિ જોઇ શકાશે.

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય – પાવર @2047’નું આયોજન 25 થી 30 જુલાઇ દરમિયાન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં તેના આયોજન સાથે, છેલ્લા આઠ વર્ષમાં દેશમાં ઊર્જા ક્ષેત્રમાં થયેલા પરિવર્તનો અને આ ક્ષેત્રએ પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ તેમાં દર્શાવવામાં આવી છે. તેનો ઉદ્દેશ નાગરિકોમાં જાગૃતિ ફેલાવીને અને વિવિધ ઊર્જા સંબંધિત સરકારી પહેલો, યોજનાઓ અને કાર્યક્રમોમાં તેમની સહભાગિતા દ્વારા તેમને સશક્ત બનાવવાનો છે.

(Source: PIB)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here