PIBની પ્રેસ રિલીઝ અનુસાર, સરકારે ખાંડના વેપારીઓ માટે સ્ટોક રાખવાની સમયમર્યાદા ઘટાડીને 15 દિવસ કરી છે અને સ્ટોક રાખવાની મર્યાદા 1,000 ક્વિન્ટલ નક્કી કરી છે. આ નિયમ 15 ઓક્ટોબર 2026 થી 30 નવેમ્બર 2026 સુધી અમલમાં રહેશે; જોકે, કોલકાતા અને તેના વિસ્તૃત મેટ્રોપોલિટન વિસ્તારો તેમજ આસામ રાજ્યને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
સુધારેલી જોગવાઈઓ હેઠળ, 15 ઓક્ટોબર 2026 થી, ખાંડના વેપારીએ નીચે મુજબનું પાલન કરવાનું રહેશે:
· ખાંડનો સ્ટોક મળ્યાની તારીખથી 15 દિવસથી વધુ સમય સુધી તે સ્ટોક પોતાની પાસે રાખી શકશે નહીં.
· દેશભરમાં કોઈપણ સમયે અને કોઈપણ સ્થળે ૧,૦0૦ ક્વિન્ટલથી વધુ ખાંડનો સ્ટોક રાખી શકશે નહીં.
· તે પ્રદેશની બજારની વિશિષ્ટ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, કોલકાતા અને તેના વિસ્તૃત મેટ્રોપોલિટન વિસ્તાર તેમજ આસામ રાજ્ય માટે સ્ટોક રાખવાની મર્યાદા 2,000 ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે.
કોલકાતા ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી ખાંડ મેળવે છે અને તેને દેશના પૂર્વીય ભાગમાં (ઉત્તર-પૂર્વીય પ્રદેશ સહિત) પુરવઠો પૂરો પાડે છે. આસામ માટે ઊંચી મર્યાદા ભૌગોલિક મર્યાદાઓ, પરિવહન વ્યવસ્થા અને ઉત્તર-પૂર્વીય પ્રદેશમાં ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે.
સુધારેલા નિયમોનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે વિતરણ શૃંખલામાં ખાંડનો બિનજરૂરી સંગ્રહ ન થાય અને ખાંડ મિલો માંથી વેપારીઓ મારફતે સરળતાથી આગળ વધીને અંતિમ ગ્રાહક સુધી પહોંચે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય સંગ્રહખોરી (hoarding) પર વધુ અંકુશ મૂકવાનો, સટ્ટાકીય વેપારને નિરુત્સાહિત કરવાનો અને વેપારીઓ દ્વારા ખાંડના સ્ટોકનો ભરાવો અટકાવવાનો છે. ખાંડ રાખી શકાય તે જથ્થા અને સમયગાળાને મર્યાદિત કરીને, સરકાર સપ્લાય ચેઇન દ્વારા ખાંડની વ્યવસ્થિત હેરફેરને સરળ બનાવવા અને વાજબી ભાવે ગ્રાહકોને તેની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માંગે છે.
ખાંડના છૂટક ભાવમાં 15%નો ઘટાડો
ખાંડના સરેરાશ છૂટક ભાવમાં ઓગસ્ટ મહિનાના ઉચ્ચતમ સ્તરથી 15 ટકાનો ઘટાડો થયો છે. જેમ જેમ ‘એક્સ-મિલ’ (મિલના દરવાજે) ભાવમાં થયેલા ઘટાડાનો લાભ સપ્લાય ચેઇન દ્વારા આગળ વધશે, તેમ ભાવમાં વધુ ઘટાડો થવાની અપેક્ષા છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં એક્સ-મિલ ખાંડના ભાવમાં આશરે 28 ટકાનો ઘટાડો થયો છે અને તે સ્થિર રહ્યા છે.
આ ઘટાડો સરકાર દ્વારા ખાંડની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને બજારમાં તેની વ્યવસ્થિત હિલચાલને સરળ બનાવવા માટે લેવામાં આવેલા વિવિધ પગલાંની અસરને પ્રતિબિંબિત કરે છે.
સરકારે પુનરોચ્ચાર કર્યો છે કે ખાંડ મિલો, ડીલરો, જથ્થાબંધ વેપારીઓ અને અન્ય બજાર સહભાગીઓ પાસેથી પુરવઠા શૃંખલા દ્વારા ખાંડની સતત હિલચાલ સુનિશ્ચિત કરવાની અને કૃત્રિમ સંચય અથવા સટ્ટાકીય સંગ્રહખોરીને અટકાવવાની અપેક્ષા રાખવામાં આવે છે. જથ્થાબંધ વેપારીઓ અને છૂટક વેપારીઓને પણ એક્સ-મિલ ખાંડના ભાવમાં નોંધપાત્ર ઘટાડાનો લાભ તાત્કાલિક ગ્રાહકોને પહોંચાડવા વિનંતી કરવામાં આવી છે.
ખાંડ મિલોને પહેલાથી જ તેમના સંબંધિત પ્રદેશોમાં પ્રવર્તમાન કૃષિ-આબોહવાની પરિસ્થિતિઓ અનુસાર પિલાણ કામગીરી શરૂ કરવાની સલાહ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર ચોક્કસ ખાંડ ઉત્પાદક પ્રદેશોમાં શેરડી પર અલ નીનો પરિસ્થિતિઓ સાથે સંકળાયેલ અસમાન અને અપૂરતા વરસાદની અસરનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખશે અને સ્થાનિક ઉપલબ્ધતા, ગ્રાહક હિત અને શેરડીના ખેડૂતોના હિત વચ્ચે સંતુલન જાળવવા માટે તમામ જરૂરી અને સમયસર પગલાં લેશે.
સંબંધિત રાજ્ય સરકારોને પણ પ્રવર્તમાન ક્ષેત્રની પરિસ્થિતિઓના આધારે પિલાણ કામગીરી અંગે યોગ્ય પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે.
સરકાર પુનરોચ્ચાર કરે છે કે શેરડીના ખેડૂતો અને ગ્રાહકો ભારતની ખાંડ નીતિના બે મુખ્ય સ્તંભ છે. સરકાર શેરડીના ખેડૂતોને યોગ્ય વળતર સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે, પરંતુ તે ખાંડના ભાવમાં ગેરવાજબી વધારાથી ગ્રાહકોને બચાવવા અને દેશભરમાં ખાંડની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પણ એટલી જ પ્રતિબદ્ધ છે.















