ભારતમાં હવે કશુંજ ટેમ્પરરી નથી: પેરિસમાં વડા પ્રધાન મોદીનું પ્રભાવશાળી વ્યક્તવ્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 દિવસના ફ્રાન્સ પ્રવાસ દરમિયાન આજે ભારતીય સમુદાયને સંબોધન કર્યું. મોદી મોદી અને ભારતમાતા કી જયના નારા વચ્ચે પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ફ્રાન્સના જોઈન્ટ મૂલ્યો છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા કહ્યું કે ભારતમાં હવે ટેમ્પરરી કશું નથી રહ્યું જે ટેમ્પરરી હતું તેને અમે કાઢી નાખ્યું. મોદીએ કહ્યું કે માત્ર 75 દિવસમાં અમારી સરકારે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. પીએમ મોદીએ પરિવારવાદ, ભ્રષ્ટાચાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે નવું ભારત સપનાના રસ્તે નીકળી પડ્યું છે. પીએમ મદોીએ મોબલાના પહાડો પર દુર્ઘટનાગ્રસ્ત 2 વિમાનની યાદમાં બનેલા સ્મારકનું ઉદ્ધાટન પણ કર્યું. આ વિમાનમાં મશહૂર વૈજ્ઞાનિક હોમી જહાંગીર ભાભા પણ હતાં જેમનું આ અકસ્માતમાં મોત થયું હતું.

પીએમ મોદીએ કહ્યું કે ફ્રાન્સ અને ભારતની મિત્રતા બહુ જૂની
પીએમ મોદી જ્યારે મંચ પર બોલવા માટે પહોંચ્યા તો ત્યાં હાજર લોકોએ તાળીઓના ગડગડાટથી જોરદાર અંદાજમાં તેમનું સ્વાગત કર્યું. પીએમએ ફ્રેન્ચમાં પણ લોકોનું અભિવાદન કર્યું. તેમણે કહ્યું કે ‘ફ્રાન્સ અને ભારતની મિત્રતા કોઈ નવી નથી પરંતુ વર્ષોથી જૂની છે. એવી કોઈ તક નહીં હોય કે જ્યાં બને દેશોએ એકબીજાનું સમર્થન ન કર્યું હોય. એક બીજા સાથે કામ ન કર્યું હોય. જ્યારે ભારત કે ફ્રાન્સમાં કોઈ સારી ઉપલબ્ધિ હોય છે તો અમે એક બીજા માટે ખુશ થઈએ છીએ. ‘

ફ્રાન્સની ફૂટબોલ ટીમની જીતનો ઉલ્લેખ કર્યો
પીએમ મોદીએ ફ્રાન્સ અને ભારતની મિત્રતા પર ભાર મૂકતા કહ્યું કે ‘બંને દેશ એક બીજાના સુખ અને દુ:ખમાં ઊભા રહ્યાં છે. ‘પીએમએ કહ્યું કે ‘મને લાગે છે કે ભારતમાં ફ્રાન્સની ફૂટબોલ ટીમના જેટલા સમર્થક છે તેમની જેટલી સંખ્યા ભારતમાં છે તેટલી તો ફ્રાન્સમાં પણ કદાચ ન હોય. જ્યારે ફ્રાન્સે ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો તો ભારતમાં પણ જોરશોરથી તેની ઉજવણી થઈ. દુ:ખમાં પણ અમે એકબીજાની સાથે રહ્યાં. ફ્રાન્સમાં થયેલા એર ઈન્ડિયાના બે વિમાન અકસ્માતની યાદમાં સ્મારક બન્યું છે.’

સ્મારક બનાવનારાઓનો આભાર વ્યક્ત કર્યો
સ્મારક બનાવવા બદલ લોકોનો આભાર વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે ‘તેમાં ભારતના મહાન વૈજ્ઞાનિક ડોક્ટર હોમી જહાંગીર ભાભા પણ હતાં. આ દુર્ઘટનામાં જેમણે પોતાના જીવ ગુમાવ્યાં તેમને શ્રદ્ધાંજલિ આપું છું. આ મેમોરિયલનો દરેક પથ્થર બંને દેશોની સંવેદનશીલતાનો પુરાવો છે. અકસ્માત બાદ વિમાનના કાટમાળની શોધમાં ફ્રાન્સના ગાઈડ દળે દિવસ રાત કામ કર્યું હતું. આજે તે ગાઈડ્સના પરિવાર સાથે સંપર્ક કરવાની તક મળી. હું ભારત તરફથી તેમનો આદરપૂર્વક આભાર વ્યક્ત કરું છું.’

ચાર વર્ષ પહેલા ફ્રાન્સને આપેલું વચન પાળ્યું-પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે ‘હાલના દિવસોમાં પેરિસ રામની ભક્તિમાં મય થઈ ગયું છે.’ તેમણે કહ્યું કે ‘પૂજ્ય બાપુની સ્મૃતિમાં રામની ભક્તિમય થઈ ગયું છે. જે લોકો પોતાના સમય ઈન્દ્ર માટે પણ નથી બદલતા તેમણે આજે નરેન્દ્ર માટે બદલ્યો છે. પૂજ્ય બાપુમાં રામભક્તિ પણ છે અને રાષ્ટ્રભક્તિ પણ.’ પીએમ મોદીએ કહ્યું કે ‘સામાન્ય રીતે રાજનેતાઓ પોતાના વચનો ભૂલાવી દે છે. 4 વર્ષ પહેલા હું ફ્રાન્સ આવ્યો ત્યારે વચન આપ્યું હતું તે મને બરાબર યાદ છે. મેં કહ્યું હતું કે ભારત આકાંક્ષાઓ અને આશાઓની સફરે નીકળી પડ્યું છે. આજે ભારત ફક્ત એ રસ્તે નીકળી નથી પડ્યું પરંતુ 130 કરોડ ભારતવાસીઓના વિશ્વાસ સાથે ઝડપથી આગળ વધી રહ્યું છે. આ જ કારણ છે કે આ વખતે પહેલા કરતા પણ વધુ પ્રચંડ જનાદેશ આપીને અમારી સરકારને જનતાએ સમર્થન આપ્યું છે.’

ફૂટબોલના ગોલથી સમજાવી પોતાની રણનીતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફૂટબોલનો ઉલ્લેખ કરતા કહ્યું કે ‘અમારી સરકારે અશક્ય ગોલ કર્યાં. તેમણે કહ્યું કે હું ફૂટબોલ પ્રેમીઓના દેશમાં છું. તમે જાણો છો કે ફૂટબોલમાં ગોલનું શું મહત્વ છે. અમે અમારી સરકાર માટે આવા જ ગોલ નક્કી કર્યા છે જે અશક્ય લાગતા હોય. અમે દેશમાં અનેક કૂરીતિઓને રેડ કાર્ડ પણ છેલ્લા પાંચ વર્ષમાં આપી દીધા.’

ભારતમાં હવે ટેમ્પરરી કશું નથી રહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સરકારો પર નિશાન સાધતા કહ્યું કે હિન્દુસ્તાનમાં હવે ટેમ્પરરી માટે કોઈ વ્યવસ્થા નથી. તમે જોયું હશે કે 125 કરોડ લોકોનો દેશ, ગાંધી અને બુદ્ધની ધરતી, રામ-કૃષ્ણની ધરતી પરથી ટેમ્પરરીને કાઢવામાં 70 વર્ષ વીતી ગયાં. ટેમ્પરરીને કાઢવામાં 70 વર્ષ…મને તો સમજ ન પડી કે હસવું કે રડવું.

ભ્રષ્ટાચાર, પરિવારવાદ પર પીએમ મોદીના આકરા પ્રહારો
આજે નવા ભારતમાં ભ્રષ્ટાચાર, પરિવારવાદ, ભાઈ ભત્રીજાવાદ, જનતાના પૈસાની લૂટ, આતંકવાદ પર જે રીતે લગામ કરવામાં આવી રહી છે તે પહેલા ક્યારેય થયું નથી. નવા ભારતમાં થાકવા અને અટવાનો સવાલ જ પેદા નથી થતો. નવી સરકારને બન્યે હજુ વધારે દિવસો નથી થયા માત્ર 75 દિવસો થયા છે. 100 દિવસ હજુ બાકી છે. આ દિવસોમાં તો સરકાર બન્યા બાદ સ્વાગત-સન્માન, જય જયકાર થતા હોય છે. અમે તે ચક્કરમાં ન પડ્યાં. હજુ તો ફક્ત 75 દિવસો પૂરા થયાં પરંતુ સ્પષ્ટનીતિ, યોગ્ય દિશાથી પ્રેરિત થઈને એક પછી એક અનેક મોટા નિર્ણયો લીધા.

ત્રિપલ તલાકના કાયદાને ગણાવ્યો સરકારની નિયતનું પરિણામ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘નવી સરકાર બનતા જ જળ શક્તિનું એક નવું મંત્રાલય બનાવવામાં આવ્યું. ગરીબ ખેડૂતો, વેપારીઓને પેન્શનની સુવિધાનો નિર્ણય લેવાયો.’ ત્રિપલ તલાક પર બોલતા તેમણે કહ્યું કે ‘ત્રિપલ તલાક એક અમાનવીય પ્રવૃત્તિ, નારીનું સન્માન અને તેના પર જીવનભર ત્રિપલ તલાકની તલવાર લટકતી રહે. અમે તેને ખતમ કરી દીધુ. કોઈ માને કે ન માને, કોઈ લખે કે ન લખે, કોઈ બોલી શકે કે ન બોલી શકે પરંતુ આ કરોડો દીકરીઓના આશીર્વાદ સદીઓ સુધી ભારતનું ભલુ કરવાના છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here