ઉત્તર પ્રદેશના સીતાપુરમાં સોમવારે એક શુગર મિલમાં ટાંકીમાં વિસ્ફોટ થતાં ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે શહેરના રામકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શુગર મિલમાં મેન્ટેનન્સના કામ દરમિયાન થયેલો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે કર્મચારીઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની પુષ્ટિ કરતા સીતાપુર પોલીસે જણાવ્યું હતું કે સીતાપુરમાં શુગર મિલમાં વિસ્ફોટ થતાં ત્રણ લોકોના મોત થયા છે અને પાંચ ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
લખનૌમાં જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માતની નોંધ લીધી અને સીતાપુરના જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટનાસ્થળે પહોંચવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
સીતાપુર પોલીસે મૃતકોની ઓળખ કરી લીધી છે અને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.
ડીએમએ કહ્યું કે વિસ્ફોટનું ચોક્કસ કારણ નિષ્ણાતો દ્વારા શોધી કાઢવામાં આવશે. તેમણે કહ્યું કે અમે સરકારને એક નિષ્ણાત સમિતિની રચના કરવા પત્ર લખીશું જે સાચું કારણ શોધી કાઢશે. જે બનાવ અંગે વિગતવાર અહેવાલ દાખલ કરશે.