લખનૌ: ભારે વરસાદને કારણે મેરઠ અને સહારનપુર ક્ષેત્રના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રેલ વ્યવહારને અસર થઈ છે. સહારનપુર જિલ્લાના બિહારીગઢ વિસ્તારમાં ભૂસ્ખલનને પગલે દિલ્હી-દેહરાદૂન હાઈવે પરનો ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો. ગંગા અને યમુના બંને નદીઓ આ વિસ્તારમાં ચેતવણીના સ્તરથી ઉપર વહી રહી છે. નદીના પાળામાં ભંગાણને કારણે ખેતીના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે શેરડી અને ઘાસચારાના પાકને વ્યાપક નુકસાન થયું છે. હસ્તિનાપુર વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, જો લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે તો શેરડી અને ઘાસચારાને નુકસાન થઈ શકે છે, જેના કારણે આગામી દિવસોમાં અછત સર્જાશે.
બાગપત જિલ્લાના સંક્રૌડ ગામ પાસે યમુનાનો પાળો લીક થયો હતો અને વધુ નુકસાન અટકાવવા ગ્રામજનોએ તેનું સમારકામ કર્યું હતું. તેમણે માંગણી કરી છે કે, વહીવટી તંત્રએ પ્રાથમિકતાના ધોરણે તેનું સમારકામ કરાવવું જોઈએ, અન્યથા પાણીનો જોરદાર પ્રવાહ તેને વધુ નુકસાન પહોંચાડી શકે છે. કાઠા, નિવારી, ટાંડા, કોટાણા અને ફૈઝપુર નિનાના ગામોમાં સેંકડો વીઘા જમીનમાં પાણી ભરાવાને કારણે શાકભાજી અને ઘાસચારાના પાકને નુકસાન થયું હતું. સહારનપુર જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત હતો, જ્યાં શહેરી વિસ્તારોમાં 25 સ્થળો અને ગ્રામીણ વિસ્તારોમાં 12 સ્થળોએ પાણી ભરાયા હતા અને વહીવટીતંત્રને 225 લોકોને આશ્રય ગૃહોમાં ખસેડવા પડ્યા હતા.