ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અશોક કે મીનાએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદથી ઘઉંના પાકને નુકસાન થયું છે. ઘઉંની ગુણવત્તા પણ ઘણી જગ્યાએ બગડી છે. લણણીમાં વિલંબ અને પંજાબ, હરિયાણા, યુપી અને રાજસ્થાનની મંડીઓમાં ઓછા આગમનને કારણે ખરીદીમાં ઘટાડો થયો છે.
વર્તમાન માર્કેટિંગ વર્ષ 2023-24 (એપ્રિલ-માર્ચ)માં સરકારે અત્યાર સુધીમાં લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર ખેડૂતો પાસેથી 41 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે. જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન કરવામાં આવેલી ખરીદી કરતાં 18 ટકા ઓછી છે.
ઉપભોક્તા બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે સોમવારે જણાવ્યું હતું કે કેન્દ્ર અરહર અને અડદ દાળના સ્થાનિક સ્ટોક પર નજર રાખવાનું ચાલુ રાખશે. વેપારીઓ તેમની અનામતો યોગ્ય રીતે જાહેર કરે તેની ખાતરી કરશે. તેમણે કહ્યું કે, બજારના વેપારીઓ અને રાજ્યના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે કે ઈ-પોર્ટલ પર રજિસ્ટ્રેશન અને સ્ટોક વિશે માહિતી આપનારની સંખ્યા વધી રહી છે. મોટી સંખ્યામાં વેપારી તેમની સ્ટોક પોઝિશન અપડેટ કરવામાં નિષ્ફળ રહ્યા છે.
સરકારે તાજેતરમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના પાંચ રાજ્યોમાં ઘઉંની ખરીદી માટેના ધોરણો હળવા કર્યા છે.
વર્તમાન માર્કેટિંગ વર્ષમાં 16 એપ્રિલ સુધી ઘઉંની ખરીદી 41 લાખ ટન સુધી પહોંચી ગઈ છે. એક વર્ષ અગાઉના સમયગાળાની સરખામણીએ 50 લાખ ટન ઓછું છે. સરકારે માર્કેટિંગ વર્ષ 2023-24 માટે 34.2 મિલિયન ટનની ખરીદીનો લક્ષ્યાંક રાખ્યો છે.