શું હવે દર શનિવાર અને રવિવારે બેંકો બંધ રહેશે? નાણા મંત્રાલયે આ માહિતી આપી

કેન્દ્રીય નાણા મંત્રાલયે મંગળવારે સંસદમાં જણાવ્યું કે એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં ભારતની તમામ બેંકોમાં દર શનિવારે રજા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે, એટલે કે બેંકોમાં દર અઠવાડિયે માત્ર પાંચ દિવસ કામ કરવાની માંગ કરવામાં આવી છે. નાણા રાજ્યમંત્રી ભગવત કરાડે કહ્યું કે આ પ્રસ્તાવ IBA દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.

સરકારે 2015 માં ભારતની તમામ બેંકો માટે એક નવો નિયમ લાગુ કર્યો હતો, જે અંતર્ગત બેંક કર્મચારીઓને મહિનામાં બે શનિવારે રજા આપવાનો સમાવેશ થાય છે. ત્યારથી, દેશની તમામ બેંકો મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. આ ફરજિયાત રજા છે અને તે દેશના જાહેર ક્ષેત્રથી લઈને ખાનગી ક્ષેત્રની બેંકોને લાગુ પડે છે.

જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો દ્વારા અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાની લાંબા ગાળાની માંગ છે. ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેંકોએ આ મુદ્દો ઘણી વખત ઉઠાવ્યો છે. તે જ સમયે, ભારતની તમામ જાહેર અને ખાનગી બેંકો, વિદેશી બેંકો, સહકારી બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને IBA ના સભ્યપદ હેઠળની તમામ ભારતીય નાણાકીય સંસ્થાઓએ પણ અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે બેન્કિંગ સેક્ટરમાં 15 લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે.

નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડએ માહિતી આપી હતી કે IBA તરફથી દર શનિવારે રજાનો પ્રસ્તાવ મળ્યો છે, પરંતુ તેમણે એ જણાવ્યું નથી કે શું માંગણી સ્વીકારવામાં આવી છે કે નજીકના ભવિષ્યમાં કોઈપણ સમયે તેનો અમલ થઈ શકે છે. બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર, જો આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવશે તો કર્મચારીઓને અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાનો લાભ તો મળશે જ, પરંતુ તેની સાથે કામના કલાકોની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે.

આ સંદર્ભમાં અગાઉના એક અહેવાલમાં એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બેંક કર્મચારીઓને બે દિવસની સાપ્તાહિક રજાની ભેટ મળ્યા બાદ તેમના કામના કલાકો વધી શકે છે. જો બેંકોમાં 5-દિવસ વર્કિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવે તો કર્મચારીઓને દરરોજ 40 મિનિટ વધારાનું કામ કરવું પડી શકે છે. એટલે કે તેમનો કામ કરવાનો સમય સવારે 9:45 થી સાંજના 5:30 સુધીનો હોઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here