નવી દિલ્હી: 2026-27 માર્કેટિંગ વર્ષમાં સરકારી ઘઉંની ખરીદીમાં 69% ઘટાડો થવાની ધારણા છે, જેનું મુખ્ય કારણ કમોસમી વરસાદને કારણે મંડીઓમાં પાકનું મોડું આગમન છે.
ઉદ્યોગ અધિકારીઓએ જણાવ્યું હતું કે મોડી લણણીને કારણે ખરીદી પ્રવૃત્તિ ધીમી પડી ગઈ છે. રોલર ફ્લોર મિલર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ નવનીત ચિતલંગિયાએ જણાવ્યું હતું કે વરસાદથી માત્ર મોડી આવક જ નહીં પરંતુ ઘઉંના જથ્થા અને ગુણવત્તા પર પણ અસર પડી છે, જેમાં તેનો રંગ અને ચમક પણ સામેલ છે એમ ધ ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું છે..
મુખ્ય રવિ પાક ઘઉં, એપ્રિલ અને માર્ચ વચ્ચે ખરીદવામાં આવે છે, જેમાં મોટાભાગની ખરીદી શરૂઆતના મહિનાઓમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) અને રાજ્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે.
ખરીદી અત્યાર સુધી ધીમી રહી છે, FCI અને તેની એજન્સીઓએ 1 એપ્રિલથી 1.53 મિલિયન ટન ખરીદી કરી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 5 મિલિયન ટન હતી.
ઘઉં માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પ્રતિ ક્વિન્ટલ રૂ. 2,585 નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે મંડીના ભાવ હાલમાં રૂ. 2,300-2,400 પ્રતિ ક્વિન્ટલના નીચા સ્તરે છે.
આ દરમિયાન, કેન્દ્રએ સ્થાનિક ઉપલબ્ધતા અને ભાવ વલણોની સમીક્ષા કર્યા પછી 2,50,000 મેટ્રિક ટન ઘઉં અને વધારાના 5,00,000 મેટ્રિક ટન ઘઉંના ઉત્પાદનોની નિકાસને મંજૂરી આપી છે.















